નવી દિલ્હી: કોરોનાના નવા સ્ટ્રેનના વધુ ચાર કેસ મળી આવ્યા છે. તેની સાથે દેશમાં અત્યાર સુધી કુલ 29 લોકો કોરોનાના નવા સ્વરૂપથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની મધ્ય રાત્રિ સુધી ભારત પહોંચેલા લગભગ 33,000 યાત્રીઓ અને તેની સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવા કહ્યું હતું.


સાથે જ સરકારે  તેમના આરટી-પીસીઆર તપાસ કરાવવા અને સંક્રમિત સેમ્પલના જીનોમ સિક્વેસિંગ માટે મોકલવાનો ગત સપ્તાહે નિર્દેશ આપ્યો હતો. જીનોમ સીક્વેન્સિંગની તપાસમાં જ નવા સ્ટ્રેનની પુષ્ટી થાય છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, અત્યાર સુધી એ સામે નથી આવ્યું કે નવો સ્ટ્રેન બીમારીની ગંભીરતાને વધારી દે છે, પરંતુ કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન ખૂબજ ઝડપથી  ફેલાઈ છે.

આ પહેલા કોરોનાના પાંચ કેસ મળી આવ્યા હતા. તેમાંથી ચાર પુણેની નેશનલ ઇનસ્ટીટ્યૂટ ઓફ વાયરોલૉજીમાં મળ્યા છે. જ્યારે એક ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટેગ્રેટિવ બાયૉલીજી, દિલ્હીમાં મળ્યો છે. અત્યાર સુધી મળેલા તમામ 29 દર્દીઓને ખાસ આઇસૉલેશનમાં રાખવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવેલી જાણકારી અનુસાર, અત્યાર સુધી ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનાન અને સિંગાપુર દ્વારા નવા યુકે વેરિએન્ટ મળવાના સમાચાર આવ્યા છે.