નવી દિલ્લી: ભારત સામે ત્રણ ટેસ્ટની સીરિઝ શરૂ થયા પહેલા ન્યૂઝીલેંડની ટીમને એક મોટો ફટકો પડ્યો છે. પગના ઘૂંટણીએ ઈજા થવાના કારણે ઝડપી બોલર ટીમ સાઉથી પાછા ઘરે ફરી રહ્યા છે.


દિલ્લીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેક્શન દરમિયાન સાઉથીને પોતાના ફ્રંટ ફૂટમાં દુ:ખાવો શરૂ થયો હતો. સ્કેન કરાવ્યા પછી ખબર પડી કે તેના ડાબા પગમાં ગ્રેડ-2 લિગમેંટ સ્ટ્રેન છે.

ન્યૂઝીલેંડ ટીમના કોચ માઈક હેસને કહ્યું, સાઉથીનું ઈજાગ્રસ્ત હોવું ટીમ માટે ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે કારણ કે તે આ ટેસ્ટ સીરિઝને લઈને ખુબજ ઉત્સાહિત હતો, અને તેના માટે સાઉથી પ્રેક્ટિસ પણ કરી રહ્યો હતો. ‘મને પુરી આશા છે કે તે જલ્દીથી પોતાની ઈજામાંથી બહાર નીકળીને વનડે સીરિઝ રમવા ભારત આવશે.’

સાઉથીની જગ્યાએ ટીમમાં મેટ હેનરીને સ્થાન આપવામાં આવ્યું છે. તે 22 સપ્ટેબરથી કાનપુરમાં શરૂ થઈ રહેલી પહેલી ટેસ્ટમાં ટીમ સાથે જોડાશે. હેસને કહ્યું, ‘ટિમ સાઉથીને 7થી 10 દિવસ સુધી આરામ કરવો પડશે. આશા છે કે તે ઓક્ટોબરમાં શરૂ થઈ રહેલી વનડે સીરિઝ માટે તે પુરી રીતે ફિટ થઈ જશે.’