નવી દિલ્હીઃ પટિયાલા હાઇસ કોર્ટે નિર્ભયા કેસના દોષિત મુકેશ સિંહની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપી શકાશે નહીં. પટિયાલા હાઉસ કોર્ટે મુકેશ સિંહની અરજી પર સુનાવણી દરમિયાન દોષિતોની ફાંસી પર સ્ટે લગાવી દીધો છે. જેનો અર્થ એ થયો કે હવે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપી શકાશે નહીં. કોર્ટે કહ્યું કે, જેલ અધિકારીઓએ  રિપોર્ટ આપવો પડશે કે તે 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપશે નહીં.


દિલ્હી સરકારે ગુરુવારે કોર્ટમાં એક રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે અમે મુકેશની અરજીને ફગાવી એલજી પાસે મોકલી દીધી છે. ઉપરાજ્યપાલ કાર્યાલયે આ દયા અરજી હવે ગૃહમંત્રાલય પાસે મોકલી દીધી છે. હવે ગૃહ મંત્રાલય અરજીને આજે સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ ભવન મોકલશે.


કોર્ટે જે રિપોર્ટ  માંગ્યો છે તેમાં તમામ જાણકારીઓ દિલ્હી સરકાર અને જેલ ઓથોરિટીએ કોર્ટમાં આપવી પડશે. નિયમો અનુસાર, જેલ અધિકારીઓએ કોર્ટ અને રાજ્ય સરકારને સૂચના આપવી પડશે કે દયા અરજી દાખલ કરવામાં આવી છે અને ફાંસીની સજાને સ્થગિત કરાઇ છે. જેલ અધિકારીઓએ રિપોર્ટ દાખલ કરવો પડશે કે  જ્યા સુધી રાષ્ટ્રપતિ નિર્ણય નહી લે ત્યાં સુધી કેદીઓને ફાંસી આપવામાં આવશે નહીં. આ રિપોર્ટ શુક્રવારે કોર્ટ સમક્ષ રજૂ કરવો પડશે.

નિર્ભયાના ચાર દોષિતોમાંથી એક મુકેશે ગઇકાલે દિલ્હી હાઇકોર્ટમાં ડેથ વોરંય રદ કરવાની અપીલ કરી હતી. પરંતુ  દિલ્હી હાઇકોર્ટે તેની અરજી સ્વીકાર કરી નહોતી અને તેને નીચલી અદાલતમાં જવાના નિર્દેશ આપ્યા હતા. મુકેશની અપીલ પર પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી સરકાર અને નિર્ભયાના માતાપિતાનો મત માંગ્યો હતો.