નવી દિલ્હીઃ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર નવ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય ખંડપીઠે નિર્ણય સંભળાવતા વિવાદિત જમીનની માલિકી રામલલ્લાને આપી હતી. આ સાથે જ સરકારને ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ બનાવીને મંદિર નિર્માણ કરવાની રૂપરેખા તૈયાર કરવા કહ્યુ છે. જ્યારે સુન્ની  વકફ બોર્ડને કોર્ટે અયોધ્યામા જ અન્ય સ્થળે પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો છે.


સુપ્રીમ કોર્ટનો ચુકાદા બાદ રામ મંદિર નિર્માણને લઇને સરકાર દ્ધારા બનાવામાં આવનારા ટ્રસ્ટને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. દરરોજ ટ્રસ્ટના નવા નવા દાવેદારો સામે આવી રહ્યા છે. સૌ પ્રથમ રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસે કહ્યુ હતું કે, જ્યારે એક ટ્રસ્ટ (રામજન્મભૂમિ ન્યાસ)અગાઉથી છે તો નવા ટ્રસ્ટની જરૂર શું છે.

હવે શ્રીરામ જન્મભૂમિ રામાલય ટ્રસ્ટના સચિવ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ દાવો કર્યો હતો કે તેમનું ન્યાસ મંદિર નિર્માણ માટે વ્યવહારિક રીતે સૌથી યોગ્ય છે. તેને લાંબા સમયથી તમામનો સહયોગ મળી રહ્યો છે. રાજનિતીથી દૂર રાખતા રામાલય ન્યાસને અયોધ્યામાં રામલલ્લા મંદિર બનાવવા અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી આપવામાં આવે.