નવી દિલ્લી: બીજેપીના પૂર્વ ઉપાધ્યક્ષ દયાશંકર સિંહે માયાવતી પર કરેલી અપમાનજનક ટિપપ્ણીને લઈને થયેલા વિરોધ પ્રદર્શનમાં બીએસપીના કાર્યકરો ભાન ભૂલ્યા હતા. અને દયાશંકરની પત્ની અને દીકરી માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને હવે ભાજપે એક મુદ્દો બનાવી દિધો છે. જેને લઈને ભાજપ આજે પૂરા પ્રદેશમાં ‘બેટી કે સમ્માન મેં બીજેપી મેદાન મેં’ નામથી વિરોધ પ્રદર્શન કરશે.

અપશબ્દના બદલામાં અપશબ્દના મામલામાં દયાશંકરની માતાએ માયાવતી, નસીમુદ્દીન સિદ્દીકી, રામઅચલ રાજભર, મેવાલાલ ગૌતમ સહીત બીએસપીના નેતાઓ વિરુદ્ધ કલમ 120B, 153A, 153A, 504, 506 અને 509માં એફઆઈઆર નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે દયાશંકરની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે બીએસપીએ વાપરેલા અપશબ્દોથી પરિવાર આધાતમાં છે અને તેની 12 વર્ષની દીકરી ટ્રોમામાં છે.

માયાવતીએ તેમના કાર્યકરોના બચાવમાં કહ્યું કે, તેઓએ દયાશંકરને મહિલાઓના અપમાનનો અહેસાસ કરાવવા અપશબ્દો કહ્યા હતા. જેથી કરીને તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ આ પ્રકારના શબ્દનો ઉપયોગ ના કરે. આ ઉપરાંત માયાવતીએ કહ્યું કે, જો દયાશંકરની માતા, પત્ની અને દીકરીએ મીડિયામાં દયાશંકરના નિવેદનની નિંદા કરી હોત તો તેમની સાથે આવું ક્યારેય થયું નાહોત.