નવી દિલ્હી: અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચૂકાદા બાદ દેશમાં એક જ વાત ચાલી રહી છે કે દેશની સુપ્રીમ કોર્ટનો ચૂકાદો સર્વસમ્મતિથી આવ્યો છે અને આ ચૂકાદાનું દરેક સમ્માન કરે છે. હિંદુ પક્ષ હોય કે મુસ્લિમ પક્ષ દરેક હવે દેશમાં અમન, શાંતિ, સદ્દભાવ અને એકતાની અપીલ કરી રહ્યા છે. એવી તસવીરો પર જોવા મળી રહી છે જેમાં હિંદુ મુસ્લિમ એક સાથે મળી દેશભરમાં શાંતિની અપીલ કરી રહ્યા છે.


રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દેશમાં અમન, શાંતિ અને સદ્ભાવ કાયમ રહે તેને ધ્યાનમાં લઈ દેશના કેટલાક પ્રમુખ ધર્મગુરૂઓ સાથે સતત બીજા દિવસે બેઠક કરી હતી. આજની બેઠકમાં દેશના જાણીતા સંતો અને મુસ્લિમ ધર્મગુરૂઓ હાજર રહ્યા હતા. આ સાથે જ કેટલાક અધિકારી અને વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર પણ બેઠકમાં સામેલ થયા હતા.

આ બેઠકમાં ચર્ચા દરમિયાન એ વાત પર જોર આપવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ દેશમાં જે રીતે અમન શાંતિનો માહોલ બન્યો છે તે કાયમ રહે. હિંદુ ધર્મગુરૂ હોય કે મુસ્લિમ ધર્મગુરૂ બધાએ એ વાત પર જોર આપ્યું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દેશની સર્વોચ્ચ અદાલતનો નિર્ણય છે જેનું દેશ સમ્માન કરે છે.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ મજલિસે મશાવરતના અધ્યક્ષ નવેદ હમિદ, અહલે હદીસ અલ જમાતથી અસગર અલી મેંહદી સલ્ફી, બાબા રામદેવ, શિયા ધર્મગુરુ કલ્બે જવ્વાદ સહિત લગભગ 25 લોકો આ બેઠકમાં સામેલ રહ્યાં હતાં.