નવી દિલ્હી: એક્ટ્રેસ અને તૃણમૂલ કૉઁગ્રેસની નવી સાંસદ નૂસરત જહાંએ મંગળવારે સંસદમાં ભારતીય નારીના અંદાજમાં શપથ ગ્રહણ કરી સૌને ચોંકાવી દીધા હતા. નૂસરતે બાંગ્લામાં શપથ લીધા હતા. આ દરમિયાન નૂસરત સેંથામાં સિંદૂર સાથે સાડીમાં નજર આવી હતી અને હાથમાં મહેંદી પણ લગાવેલી હતી. તેમના આ અંદાજે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હવે તેમનો આ અવતાર સોશિયલ મીડિયા પર હૉટ ટોપિક બન્યો છે.



નૂસરતે મંગળવારે શપથ લીધા હતા અને શપથના અંતમાં જય હિંદ, વંદે માતરમ્ અને જય બાંગ્લા કહ્યું હતું. બાદમાં લોકસભા સ્પીકર ઓમ બિડલાના પગે લાગી આશીર્વાદ પણ લીધા હતા. નૂસરતની આ સંસ્કારી અંદાજવાળી તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યાં છે અને લોકો તેમના લૂકને લઈને પ્રતિક્રિયા આપી રહ્યાં છે. યૂઝર્સ તેમની પ્રશંસા કરી રહ્યાં છે.


લોકસભા સ્પીકરના આશીર્વાદ લેતાં વીડિયો પર એક યૂઝરે કહ્યું કે ‘શું સંસ્કાર છે’. ત્યારે અન્ય એક યૂઝર્સે આજનો સૌથી ખૂબસરત વીડિયો ગણાવ્યો.


બીજા એક યૂઝર્સે લખ્યું કે ‘નૂજસરતે વંદે માતરમ કહ્યું અને સ્પીકરના આશીર્વાદ પણ લીધાં, મારી નજરમાં નૂસરત માટે માન વધી ગઈ. કેટલાક યૂઝર્સે તેમના લૂકની પણ પ્રશંસા કરી હતી.’



ઉલ્લેખનીય છે કે નૂસરત જહાં તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતને લોકસભા પહોંચી છે. ચૂંટણી જીત્યા બાદ નૂસરતે કોલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે 19 જૂને લગ્ન કર્યા હતા.



નૂસરત સાથે તેમની ખાસ ફ્રેન્ડ મિમિ ચક્રવર્તી પણ કોલકાતાના જાધવપુર સીટથી ચૂંટણી લડી હતી. અને તેમણે પણ લોકસભા સાંસદ પદના શપથ લીધા હતા.