નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલી સરકારી કંપની એર ઇન્ડિયાને તેલ કંપનીઓએ કડક ચેતવણી આપી છે. તેલ કંપનીઓએ સાર્વજનિક ક્ષેત્રની વિમાન કંપની એર ઇન્ડિયાને બાકી રકમની ચૂકવણી કરવા કહ્યું છે. કંપનીઓએ એર ઇન્ડિયાને કહ્યું છે કે તે મહિનાનું પેમેન્ટ નહી કરે તો 18 ઓક્ટોબરથી 6 એરપોર્ટ પર તેલની સપ્લાય રોકી દેવામાં આવશે.

એર ઇન્ડિયાને ગુરુવારે મોકલેલા એક  પત્રમાં ત્રણ તેલ કંપનીઓ- ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે કહ્યું કે, અત્યાર સુધીના પેમેન્ટથી દેવું ઓછું થયું નથી. ઓગસ્ટ મહિનામાં ત્રણ તેલ કંપનીઓએ કહ્યું હતું કે, એર ઇન્ડિયા પર પાંચ હજાર કરોડ રૂપિયાનું દેવું છે જે છેલ્લા આઠ મહિનાથી પેન્ડિંગ છે.

22 ઓગસ્ટના રોજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિંદુસ્તાન પેટ્રોલિયમે દેશના છ એરપોર્ટ કોચ્ચી, મોહાલી, પુણે, પટણા, રાંચી અને વિશાખાપટ્ટનમ પર તેલ સપ્લાય રોકી દેવામાં આવી હતી. જોકે, બાદમાં ઉડ્ડયન મંત્રાલયે વચ્ચે દરમિયાનગીરી કરતા સાત સપ્ટેમ્બરના રોજ સપ્લાય ફરી શરૂ કરી દેવામાં આવી હતી.

તેલ કંપનીઓએ કહ્યું કે, રોજનું પેમેન્ટ કરવા છતાં બાકી રકમ ઓછી થઇ નહોતી કારણ કે વચન અનુસાર એર ઇન્ડિયાએ બાકીની પેમેન્ટ ચૂકવી નથી. એર ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2018-19માં 8400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એર ઇન્ડિયા અગાઉથી જ આર્થિક સંકટમાં ઘેરાયેલી છે.