નવી દિલ્હી: હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા ઓલિમ્પિક મેડાલિસ્ટ રેસલર યોગેશ્વર દત્ત ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. સાથે સાથે ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહ પણ ભાજપમાં જોડાયા છે. આ બન્નેએ હરિયાણા ભાજપ પ્રમુખ સુભાષ બરાલાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.


દત્તે 2014 કૉમેનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2013માં તેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર સોનીપલ લોકસભા વિસ્તારની કોઈ વિધાનસભા સીટ પરથી તેને ટિકિટ મળી શકે છે. આ તેનો ગૃહ જિલ્લો પણ છે. હરિયાણાની વિધાનસભા ચૂંટણી 21 ઑક્ટોબરના રોજ થશે.


પૂર્વ ભારતીય કેપ્ટન સંદીપ સિંહને તેના શાનદાર ફ્લિક માટે ફિલ્કર સિંહના નામથી ઓળખવામાં આવે છે. તે હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી રેન્કના અધિકારી છે. સંદીપ સિંહને તેના શાનદાર રમત બદલ 2010માં અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તે 2004થી 2012 સુધી ભારતીય હોકી ટીમનો હિસ્સો રહ્યા હતા. તે 2009માં ભારતીય હોકી ટીમના કેપ્ટન બન્યા હતા.


હરિયાણામાં ભાજપની સરકાર છે અને પાર્ટીએ જાહેરાત કરી દીધી છે કે તે પોતાના વર્તમાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાંજ ચૂંટણી લડશે. જો કે ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત 29 સમપ્ટેમ્બરે થનારી બેઠકમાં જાહેર કરી શકે છે.