Omicron Cases In Mumbai: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. આજે મુંબઇમાં જ બે લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટી થઇ છે. બંન્ને 25 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકાથી પરત ફર્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ ઓમિક્રોન છે કે નહી તેની તપાસ માટે સેમ્પલ પૂણેની NIVમાં જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. હવે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 થઇ ગઇ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 23 લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટી થઇ છે.


 






કોરોનાના નવા ખતરા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આરટીપીસીઆર ટેસ્ટની કિંમત 500થી ઘટાડીને 350 રૂપિયા કરી દીધી છે. જ્યારે હોમ કલેક્શન પર 800ના બદલે હવે 700 રૂપિયા આપવા પડશે. ભારતમાં રવિવારે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 17 કેસ સામે આવ્યા હતા. જેમાં નવ કેસ જયપુરમાં, સાત મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં અને એક કેસ દિલ્હીમાં નોંધાયો હતો. જે લોકો સંક્રમિત થયા છે તેમાં મોટાભાગના તાજેતરમાં જ આફ્રિકાના દેશોમાંથી ભારત પરત આવ્યા છે અથવા તેવા લોકોના સંપર્કમાં આવ્યા છે. દેશમાં પ્રથમ ઓમિક્રોનનો કેસ 2 ડિસેમ્બરના રોજ કર્ણાટકમા નોંધાયો હતો. કોરોનાના નવા વેરિઅન્ટને જોતા સરકાર વિદેશથી આવતા લોકો પર દેખરેખ રાખી રહી છે. કેન્દ્ર સરકારે અનેક દેશોને એટ રિસ્કની યાદીમાં મુક્યા છે. જેમાં બ્રિટન સહિત યુરોપિયન દેશ, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝિલેન્ડ, ઝીમ્બાબ્વે, સિંગાપોર,હોંગકોંગ, ઇઝરાયલ સામેલ છે.