નવી દિલ્લી: વડાપ્રધાનના સરકારી ઘરનું સરનામું બદલાઈ ગયું છે. હવે પીએમના સરકારી ઘર 7 આરસીઆરને ‘લોક કલ્યાણ માર્ગ’ના નામથી ઓળખવામાં આવશે. તમને જણાવી દઈએ કે બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ એનડીએમસીને પ્રસ્તાવ મોકલીને 7 આરસીઆર નામ ‘એકાત્મ માર્ગ’ કરવાની માંગ કરી હતી.
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું, “7 આરસીઆર રોડને બદલવા માટે ઘણા નામનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ લોક કલ્યાણ માર્ગ પર સૌની સહમતિ બની હતી.” પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલની સાથે બીજેપી સાંસદ મીનાક્ષી લેખી પણ હાજર હતી.
કેજરીવાલે કહ્યું, “રેસ કોર્ષનું નામ બદલીને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ રાખવું હતું, પહેલા મીનાક્ષી લેખીજીએ એકાત્મ માર્ગ નામ રાખવાનો પ્રસ્તાવ આપ્યો હતો. મેં ગુરુ ગોવિંદ સિંગ જી નામ રાખવાનો પ્રસ્તાવ આપ્યો હતો. મેં કહ્યું કે વડાપ્રધાનજીથી નામનો પ્રસ્તાવ લઈ લો. પરંતુ બધાંએ કહ્યું કે કાઉન્સિલ અંદરોઅંદર નક્કી કરી એવા નામને પસંદ કરે જે બધાને યોગ્ય લાગે, ત્યારબાદ અમે લોક કલ્યાણ માર્ગ નામ રાખ્યું છે.”