નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મોહલ્લા ક્લિનિકના વધુ એક ડોક્ટરનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉત્તર પૂર્વ દિલ્હીના બાબરપુર વિસ્તારના મોહલ્લા ક્લિનિકના ડોક્ટરનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા આ વિસ્તારમાં અનેક જગ્યાએ નોટિસના કાગળ ચોંટાડીને લોકને માહિતગાર કરવામાં આવ્યા છે.

નોટિસમાં લખવામાં આવ્યું છે કે, જે પણ દર્દી કે લોક 12 માર્ચથી 20 માર્ચ દરમિયાન આ મોહલ્લા ક્લિનિકમાં સારવાર કરાવવા આવ્યા હોય તેમણે 15 દિવસ સુધી તેમના ઘરમાં જ કોરોન્ટાઈન રહેવું. આ પહેલા ઉત્તર પૂર્વ દિલ્હીના મૌજપુર વિસ્તારના ડોક્ટરોનો કોરોના પોઝિટવ આવ્યો હતો.

મૌજપુરના મોહલ્લા ક્લિનિકના ડોકટરની પત્ની અને પુત્રીને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેમને જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 માર્ચથી 18 માર્ચ સુધી જે આ મોહલ્લા ક્લિનિકમાં ગયા હતા તેમને કોરેન્ટાઈન થવાનું કહેવામાં આવ્યું હતું.

સાઉદી અરબથી આવેલી મહિલા ડોક્ટરના સંપર્કમાં આવી હતી. 23 માર્ચે તે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ 24 માર્ચે ડોક્ટરને રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સાઉદી અરબથી આવેલી મહિલાના પરિવારમાં 4 લોકોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

હાલ દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1400ને પાર કરી ગઈ છે. જેમાંથી 32 લોકોના મોત થયા છે અને 140 લોકો સાજા થયા છે.