Terrorists Attack In Bandipora: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓએ સુરક્ષાદળોના કાફલા પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર જવાન ઘાયલ થયા છે. એક જવાન શહીદ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોર આતંકીઓને શોધવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું સતત ઓપરેશન ચાલી રહ્યું છે. 7 ફેબ્રુઆરીના રોજ, જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઉત્તર કાશ્મીરમાં જિલ્લાના નિશાત પાર્ક પાસે આતંકવાદીઓએ પેટ્રોલિંગ પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા.
પોલીસ પ્રવક્તાએ કહ્યું, "સાંજે 5 વાગ્યાની આસપાસ, બાંદીપોરામાં આતંકવાદીઓએ પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની સંયુક્ત ટીમ પર ગ્રેનેડ ફેંક્યો, જેમાં એક પોલીસકર્મીનું મોત થયું અને અન્ય ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા." મૃત્યુ પામેલા પોલીસકર્મીની ઓળખ ઝુબેર અહેમદ તરીકે થઈ છે. તેમણે કહ્યું પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.