નવી દિલ્હીઃસંસદના આજે બજેટના બીજા ચરણની શરૂઆત સોમવારે થઇ હતી. દિલ્હી હિંસાને લઇને કોગ્રેસ સહિત વિપક્ષી દળોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યસભામાં કોગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે સરકાર પર હિંસા દરમિયાન ત્રણ દિવસો સુધી સૂઇ રહેવાનો આરોપ લગાવ્યો હતો. આઝાદે કહ્યું કે, જો ત્રણ દિવસો સુધી કેન્દ્ર સરકાર સૂઇ ના રહી હોત તો હિંસા થઇ ના હોત.




તે સિવાય સંસદ પરિસરમાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી સહિત અનેક કોગ્રેસી નેતાઓએ દિલ્હી હિંસા પર વિરોધ પ્રદર્શન કરતા ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. બજેટ સત્ર દરમિયાન દિલ્હી હિંસાને લઇને વિપક્ષના હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવાર 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. બજેટ સત્રના બીજા તબક્કામાં સરકાર અનેક મહત્વના બિલ રજૂ કરવામાં આવશે.