Opposition Parties Meeting: લોકસભા ચૂંટણી પહેલા એક સાથે આવવાની કોશિશ કરતા વિરોધ પક્ષોએ શુક્રવારે (23 જૂન)ના રોજ બિહારના પટનામાં બેઠક યોજી હતી. આ બેઠક બાદ વિપક્ષી નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં નીતિશ કુમાર, રાહુલ ગાંધી, મમતા બેનર્જી સહિત તમામ નેતાઓએ સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી. આ દરમિયાન બિહારના પૂર્વ મુખ્યમંત્રી  લાલુ પ્રસાદ યાદવનો મજાકિયા અંદાજ જોવા મળ્યો હતો.



તેમણે પત્રકાર પરિષદ દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લગ્નને લઈ એવી વાત કહી કે બધા લોકો હસવા લાગ્યા હતા. લાલૂ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ ખૂબ સારું કામ કર્યું છે. દેશભરમાં પગપાળા પ્રવાસ કર્યો છે. આ દરમિયાન તેમની દાઢી પણ વધી ગઈ હતી. હવે થોડી નાની કરાવી  છે, આ બરાબર છે, પરંતુ તેમણે  લગ્નને લઈ અમારી સલાહ માની નહિ. લગ્ન કરી લેવા જોઈએ. હજુ પણ સમય છે. લગ્ન કરી લો, અમારી વાત માનો. તમારા માતા અમને ફરિયાદ કરે છે કે તમે તેમની વાત નથી માનતા, લગ્ન નથી કરતા.



લગ્નની વાત પર શું બોલ્યા રાહુલ ગાંધી ?


તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે તમે કહ્યું છે તો લગ્ન થઈ જશે. લાલૂ યાદવે પ્રધાનમંત્રી મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદી હવે અમેરિકામાં જઈને ચંદન વહેંચી રહ્યા છે. ગોધરા બાદ અમેરિકાએ પોતાના ટૂરિસ્ટરને ભારત જવા પર મનાઈ કરી હતી. આ લોકો એ વાત કરી રીતે ભૂલી ગયા. આજે દેશ તૂટવાની કગાર પર છે, દેશમાં મોંઘવારી વધતી જાય છે. 






લાલૂ પ્રસાદ યાદવે બીજુ શું કહ્યું ?


આરજેડી ચીફ લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે આજની બેઠકમાં બધાએ ખુલ્લામને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને નક્કી કરવામાં આવ્યું છે કે આગામી બેઠક શિમલામાં થશે અને ભવિષ્યની રણનીતિ નક્કી કરાશે. એક થઈને અમારે લડવાનું છે. દેશની જનતા કહે છે કે તમારી પાસે લોકોના મત છે, પણ તમે એકજૂટ નથી એટલે તમારો મત વિભાજીત થઈ જાય છે અને ભાજપ-આરએસએસ જીતી જાય છે.