Agnipath Scheme: સેનામાં ભરતી પ્રક્રિયામાં થયેલા ફેરફારોને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે. દેશના જુદા જુદા ભાગોમાં દેખાવકારો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. તેલંગાણાના સિકંદરાબાદમાં 'અગ્નિપથ'ના વિરોધ દરમિયાન એક યુવકનું મોત થયું છે. તો બીજી તરફ, 13 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.
વાસ્તવમાં બિહારથી શરૂ થયેલો આ વિરોધ દેશના અનેક રાજ્યોમાં ફેલાઈ ગયો છે. આજે સવારે જ મોટી સંખ્યામાં યુવા પ્રદર્શનકારીઓ સિકંદરાબાદના રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. આ દરમિયાન ટોળાએ ટ્રેનમાં તોડફોડ કરી હતી અને ટ્રેનને આગ ચાંપી દીધી હતી. આંદોલનકારીઓએ પથ્થરમારો પણ શરૂ કર્યો હચો, જેને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ગોળીબાર કરવો પડ્યો હતો.
લખીસરાય રેલવે સ્ટેશન પર તોડફોડ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, સરકારના નિર્ણયના વિરોધમાં ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે સવારે આંદોલનકારીઓએ બિહારના સમસ્તીપુર અને લખીસરાય રેલવે સ્ટેશન પર પણ તોડફોડ કરી હતી અને ટ્રેનને આગ ચાંપી દીધી હતી. અનેક એસી કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. સાથે જ રેલવે ટ્રેક પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. તોડફોડના કારણે ઘણી રેલ્વે ટ્રેનો પ્રભાવિત થઈ છે.
બિહારમાં ડેપ્યુટી CMના ઘર પર પ્રદર્શનકારીઓએ કર્યો પથ્થરમારો
અગ્નિપથ યોજનાના વિરોધને કારણે ગુરુગ્રામમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હવે અહીં ચાર લોકો ભેગા થઈ શકતા નથી. પોલીસે કહ્યું છે કે તેઓ લોકોને રોડ બ્લોક કરવા દેશે નહીં.
બિહાર સંપર્ક એક્સપ્રેસ ટ્રેનમાં પણ આગ લગાવી
બિહાર સંપર્ક એક્સપ્રેસ ટ્રેનને પણ આગ ચાંપવામાં આવી છે. ટ્રેન દરભંગાથી નવી દિલ્હી જઈ રહી હતી. ટ્રેનના ચાર ડબ્બા બળી ગયા છે. ટ્રેનમાં તોડફોડ અને લૂંટફાટની પણ ચર્ચા છે.
સુપૌલમાં પણ હંગામો
અગ્નિપથ યોજના સામે આંદોલનકારીઓએ સુપૌલમાં પણ હંગામો મચાવ્યો છે. લોહિયા નગરમાં ટ્રેનને રોકવામાં આવી છે. ટ્રેનની બોગીને પણ આગ લગાડી દેવામાં આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. એસપી ડી અમરેશ પોતે ઘટનાસ્થળે હાજર છે.