મુંબઈ:  એનસીપી સુપ્રીમો શરદ પવારના દિલ્હી ધર પર મહાવિકાસ અઘાડી સરકારના મોટા નેતાઓની બેઠક બાદ જયંત પાટિલે કહ્યું કે ગૃહ મંત્રી અનિલ દેશમુખનું રાજીનામું નહી લેવામાં આવે. તેમણે કહ્યું અનિલ દેશમુખના રાજીનામાની જરુર નથી. તેમણે કહ્યું આ મહત્વપૂર્ણ ગુનાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. મહારાષ્ટ્ર એટીએસ અને એનઆઈએની તપાસમાં મહત્વપૂર્ણ બાબતો સામે આવશે.


દિલ્હીમાં આજે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત એનસીપી અધ્યક્ષને મળ્યા. આ સિવાય એનસીપી નેતા અજિત પવાર અને એનસીનપી નેતા જયંત પાટિલે પણ શરદ પવાર સાથે મુલાકાત કરી. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ અને કૉંગ્રેસ નેતા કમલનાથ પણ પવારને મળ્યા. શરદ પવાર સાથે આ તમામ નેતાઓની મુલાકાત બાદ જયંત પાટિલે અનિલ દેશમુખના રાજીનામાને લઈને ચાલતી અટકળો પર હાલ પૂર્ણવિરામ લગાવ્યું છે.


આ પહેલા સમાચાર હતા કે જયંત પાટિલ અથવા અજિત પવારને મહારાષ્ટ્રના નવા ગૃહ મંત્રી બનાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે જયંત પાટિલ, શરદ પવાર અને સુપ્રિયા સુલે કેમ્પના માનવામાં આવે છે.


મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના લેટર બોંબ બાદ મહારાષ્ટ્રનું રાજકાણ ગરમાયું છે.  પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે અનિલ દેશમુખ તરફથી દબાણ હતું કે તેમને 100 કરોડ રૂપિયા દર મહિને જોઈએ. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે 100 કરોડ રૂપિયાનો ટાર્ગેટ સચિન વાઝેનો આપવામાં આવ્યો હતો.



આ સાથે જ પરમબીર સિંહે લખ્યું કે આ ટાર્ગેટને પૂરો કરવા માટે મુંબઈના બાર, પબ અને રેસ્ટોરન્ટ પાસેથી રૂપિયા વસૂલવા કહેવામાં આવ્યું હતું. પત્ર મુજબ આ ટાર્ગેટ પર સચિન વાઝેએ કહ્યું હતું કે તેઓ 40 કરોડ પૂરા કરી શકે છે પરંતુ 100 કરોડ ખૂબ જ વધારે છે. પરમબીર સિંહે દાવો કર્યો છે કે 100 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા અનિલ દેશમુખે સચિન વાઝેને બીજા વિકલ્પો પર વિચાર કરવા કહ્યું હતું.