Parliament Security Breach Case: સંસદની સુરક્ષાનો ભંગ કરવાના કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપી લલિત ઝાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સરેન્ડર કર્યું હતું. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.


દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી લલિત મોહન ઝા ઘટનાનો વીડિયો બનાવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તે બસ દ્વારા રાજસ્થાનના નાગૌર પહોંચ્યો હતો. ત્યાં તે તેના બે મિત્રોને મળ્યો અને એક હોટલમાં રાત વિતાવી. જ્યારે તેને ખબર પડી કે પોલીસ તેને શોધી રહી છે, ત્યારે તે બસ દ્વારા દિલ્હી આવ્યો ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.


પોલીસ સૂત્રોનું કહેવું છે કે ચારેય આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો ત્યાર બાદ આરોપી લલિત ઝાએ તેના NGO પાર્ટનરને આ સંબંધિત વીડિયો મોકલ્યો હતો.


અગાઉ, પોલીસે ચાર આરોપીઓ નીલમ આઝાદ, અમોલ, સાગર શર્મા અને મનોરંજન ડીની ધરપકડ કરી છે, જેમને ગુરુવારે (14 ડિસેમ્બર) દિલ્હીની કોર્ટમાં રજૂ કર્યા પછી 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય આરોપીઓને રિમાન્ડ વકીલ પૂરા પાડ્યા છે. દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું હતું કે આરોપીઓને તપાસ માટે સંબંધિત સ્થળોએ લઈ જવામાં આવશે અને તેમની સામસામે પૂછપરછ કરવામાં આવશે.


પોલીસે કોર્ટમાં શું કહ્યું?


પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ લખનઉથી જૂતા અને મહારાષ્ટ્રમાંથી ડબ્બો ખરીદ્યો હતો. જૂતામાં જગ્યા બનાવીને ડબ્બો છૂપાવવામાં આવ્યો હતો અને સંસદમાં લઈ જવામાં આવ્યો હતો. આરોપીઓએ તેનો ઉપયોગ કલર બોમ્બ તરીકે કર્યો હતો.


પોલીસે કોર્ટને કહ્યું હતું કે આરોપીઓ દ્વારા આચરવામાં આવેલી ઘટના આતંકવાદી પ્રવૃત્તિ જેવી છે. તેની સામે ભારતીય દંડ સંહિતા (IPC) અને આતંકવાદ વિરોધી અધિનિયમ (UAPA)ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.


પોલીસે કોર્ટમાં 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ આરોપીના રિમાન્ડ વકીલે કહ્યું કે, તપાસ માટે 5 દિવસ પૂરતા છે. જે બાદ કોર્ટે આરોપીને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.


શું આ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે?


સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે UAPAની કલમ 16 (આતંકવાદી કૃત્યો) અને 18 (ષડયંત્ર વગેરે) અને UAPAની કલમ 120B (ગુનાહિત કાવતરું), 452 (અતિક્રમણ), 153 (હુલ્લડો ભડકાવવા) કલમ 186 , કલમ 353 (જાહેર સેવકને તેની ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો અથવા ફોજદારી બળ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


UAPA હેઠળ નોંધાયેલા કેસો બિનજામીનપાત્ર છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓને હજુ સુધી કોઈ આતંકવાદી જૂથ સાથે આરોપીની સંડોવણી હોવાની જાણકારી મળી નથી. ચારેય લોકો સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા અને પછી ફેસબુક પર ભગત સિંહના 'ફેન પેજ' સાથે જોડાયા હતા સૂત્રોએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ક્રાંતિકારી ભગત સિંહની 'સેન્ટ્રલ એસેમ્બલી'ની અંદર બોમ્બ ફેંકવાની ઘટનાનું પુનરાવર્તન કરવા માંગતા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ સ્મોક બોમ્બનો ઉપયોગ કર્યા બાદ સંસદમાં પેમ્ફલેટ ફેંકવાની યોજના બનાવી હતી.