Parliament:  18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થશે. 3 જૂલાઈ સુધી ચાલનારા સત્રના પ્રથમ બે દિવસે નવા સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવશે. નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી બુધવારે થશે, જ્યારે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. પ્રોટેમ પ્રેસિડેન્ટની નિમણૂક ઉપરાંત, વિપક્ષે NEET-UG પેપર લીક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને મોકૂફ રાખવાના મામલે સરકારને ઘેરવાની રણનીતિ પણ બનાવી છે, જેના કારણે પહેલા જ દિવસે હોબાળો થવાની સંભાવના છે.






સત્રના પ્રથમ દિવસે વિપક્ષે સાત વખતના સાંસદ ભર્તૃહરિ મહતાબની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક સામે વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે વરિષ્ઠતાના આધારે તેમના સાંસદ કે.સુરેશ આ પદ માટે પ્રબળ દાવેદાર છે. જોકે, સરકારનું કહેવું છે કે વર્તમાન લોકસભામાં સતત સૌથી લાંબી મુદત સુધી હાર્યા વિના સાંસદ તરીકે સેવા આપવાના સંદર્ભમાં મહતાબ સૌથી વરિષ્ઠ છે.


રાષ્ટ્રપતિ મુર્મુ સોમવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકર તરીકે મહતાબને શપથ લેવડાવશે. આ પછી મહતાબ સંસદ ભવન પહોંચશે અને સવારે 11 વાગ્યાથી ગૃહની કાર્યવાહી શરૂ કરશે. મૃતક સભ્યોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મિનિટના મૌન સાથે કાર્યવાહી શરૂ થશે.


લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ પહેલા નવા ચૂંટાયેલા સાંસદોની યાદી રજૂ કરશે. પ્રોટેમ સ્પીકર મહતાબ ગૃહના નેતા અને પીએમ નરેન્દ્ર મોદીને સાંસદ તરીકે શપથ લેવડાવશે. આ પછી, સ્પીકર પેનલના શપથ લેવામાં આવશે તેમાં સામેલ વરિષ્ઠ સાંસદો પ્રોટેમ સ્પીકરને 26 જૂન સુધી ગૃહ ચલાવવામાં મદદ કરશે.


27મીએ રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન


રાષ્ટ્રપતિ મુર્મુ 27 જૂન, ગુરુવારે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ દરમિયાન તે નવી સરકારની પંચવર્ષીય યોજનાઓ અને પ્રાથમિકતાઓ રજૂ કરશે. 28 જૂન અને 1 જૂલાઈએ લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થશે. વડાપ્રધાન 2 જુલાઈએ લોકસભામાં અને 3 જુલાઈએ રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપશે. આ પછી બંને ગૃહો થોડા સમય માટે સ્થગિત કરવામાં આવશે. 22 જુલાઈથી સત્ર ફરી શરૂ થશે, જેમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે.