Phalodi Satta Bazar: 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, ત્યારે આખા દેશની નજર પશ્ચિમ બંગાળ પર ટકેલી હશે. આ વખતે મમતા બેનર્જીની TMC ફરી સરકાર બનાવશે કે પછી બંગાળમાં પહેલીવાર ભાજપનું કમળ ખીલશે? આ સવાલનો જવાબ આપવામાં રાજસ્થાનનું પ્રખ્યાત ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાઈ ગયું છે. બંગાળ ચૂંટણીમાં અબજો રૂપિયાનો સટ્ટો લાગ્યો છે, પરંતુ બુકીઓ કોઈ એક પાર્ટી તરફ ઢળી શક્યા નથી. અહીં કાંટાની ટક્કર ચાલી રહી છે.

Continues below advertisement

53% નો TMC અને 47% નો ભાજપ પર દાવ

ફલોદી સટ્ટા બજારના આંકડા મુજબ, બંગાળમાં સ્થિતિ એકદમ રસાકસીવાળી છે. અહીં લગભગ 53 ટકા સટ્ટાબાજોએ મમતા બેનર્જીની પાર્ટી TMC પર પોતાનો દાવ લગાવ્યો છે, જ્યારે 47 ટકા બુકીઓએ ભાજપ પર પૈસા લગાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, એક્ઝિટ પોલ પહેલા 60 ટકા લોકો TMC અને 40 ટકા લોકો ભાજપ પર સટ્ટો રમી રહ્યા હતા, પરંતુ છેલ્લા 4 દિવસમાં જ માહોલ બદલાઈ ગયો છે અને ભાજપ તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે.

Continues below advertisement

સટ્ટા બજારમાં કોનો કેટલો ભાવ ચાલી રહ્યો છે?

બંગાળ ચૂંટણીના ભાવોની વાત કરીએ તો, સટ્ટા બજાર મમતા બેનર્જીની TMC ને 130 થી 135 રૂપિયાનો ભાવ આપી રહ્યું છે. એટલે કે, જો કોઈ 100 રૂપિયા લગાવે અને મમતા સરકાર પાછી આવે, તો તેને 130 થી 135 રૂપિયા મળશે. સામે પક્ષે, ભાજપનો ભાવ 140 થી 145 રૂપિયા ચાલી રહ્યો છે. જો ડાબેરી પક્ષો કે અન્ય કોઈ પાર્ટી સરકાર બનાવે, તો તેનો ભાવ સીધો 85 ગણો છે (એટલે કે 100 રૂપિયા લગાવનારને 8500 રૂપિયા મળશે). જ્યારે કોઈને બહુમતી ન મળે (ત્રિશંકુ વિધાનસભા) તેવી સ્થિતિ પર 20 ગણો ભાવ ચાલી રહ્યો છે.

બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ

કોણ બનશે મુખ્યમંત્રી? બુકીઓની પસંદ કોણ?

જો TMC ની સરકાર બને તો, 85 ટકાથી વધુ બુકીઓ માને છે કે મમતા બેનર્જી જ CM બનશે. 10 ટકા લોકો તેમના ભત્રીજા અભિષેક બેનર્જી પર દાવ લગાવી રહ્યા છે, જ્યારે માત્ર 4 ટકા લોકો અન્ય નેતાઓ પર ભરોસો કરી રહ્યા છે.

બીજી તરફ, જો ભાજપ જીતે તો લગભગ 40 ટકા લોકો માને છે કે સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બનશે. જ્યારે 35 થી 38 ટકા લોકો પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદાર પર દાવ લગાવી રહ્યા છે, અને છેલ્લી ઘડીએ સુકાંત પર પૈસા લગાવનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ ઉપરાંત દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, રૂપા ગાંગુલી અને લોકેટ ચેટર્જીના નામ પર પણ પૈસા લાગ્યા છે.

બીજા રાજ્યોનો માહોલ અને અબજોનો છૂપો કારોબાર

ફલોદી સટ્ટા બજારમાં આ ચૂંટણી સિઝનમાં કુલ સટ્ટાના 80 ટકા પૈસા માત્ર પશ્ચિમ બંગાળ પર જ લાગ્યા છે. બાકીના પૈસા આસામ, કેરળ અને તમિલનાડુ પર લાગ્યા છે. આસામમાં 90 ટકા લોકો ભાજપ જીતશે તેવો દાવ લગાવી રહ્યા છે. કેરળમાં મોટાભાગના લોકો UDF ગઠબંધન પર ભરોસો કરી રહ્યા છે, જ્યારે તમિલનાડુમાં બંગાળ કરતા પણ વધારે કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, ભારતમાં સટ્ટો રમવો સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, આમ છતાં આ સટ્ટા બજારનું નેટવર્ક આખા દેશમાં ઓનલાઈન ફેલાયેલું છે અને અહીં છૂપી રીતે અબજો રૂપિયાનો કારોબાર થઈ રહ્યો છે.

બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી