શિવપુરીઃ મધ્યપ્રદેશના શિવપુરી વોટરફોલમાં સ્વતંત્રતા દિવસના અવસર પર પિકનિક મનાવવા ગયેલા લગભગ 11 યુવકો તણાઇ ગયા હતા. જ્યારે લગભગ 34 લોકો હજુ પણ ફસાયા છે. સુલતાનગઢ સ્થિર ઝરણામાં પાણીની વચ્ચે ફસાયેલા લોકોને કાઢવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શિવપુરીના ડીએમએ જણાવ્યું કે, અંધારુ હોવાના કારણે રાહત-બચાવ કાર્યમાં મોડું થઇ રહ્યું છે.
ડીએમએ કહ્યું કે, ઝરણામાં પાણી વધવા સંબંધી એલર્ટ અગાઉથી જ જાહેર કરી દેવામાં આવ્યું હતું પરંતુ લોકો માન્યા નહી. ઘટનાના એક સાક્ષીએ કહ્યું કે, ઘટના લગભગ ચાર વાગ્યાની છે જ્યારે ઝરણામાં અચાનક પાણી વધવા લાગ્યું હતું. ગ્વાલિયર શિવપુરી બોર્ડર પાસે સુલતાનગઢમાં મોટી સંખ્યામાં લોકો પિકનિક મનાવવા આવે છે. ઝરણાની પાસે પાર્વતી નદી અને અન્ય સ્થળો પર અચાનક પાણીનું સ્તર વધી ગયું હતું.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, શિવપુરીમાં વોટરફોલમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હું સતત બચાવદળના સંપર્કમાં છું. સાત લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. લોકો વોટરફોલમાં ફસાયા હોવાની જાણ થતા કેન્દ્રિય મંત્રી નરેન્દ્રસિંહ તોમર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા