નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી  2019ને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી આજે મિશન સાઉથના પ્રવાસ પર પહોંચ્યા છે. તેમણે કર્ણાટકના કલબુર્ગી અને તમિલનાડુના કાંચીપુરમમાં અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીએ કલબુર્ગીમાં એક રેલીને પણ સંબોધિત કરી હતી.


વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે, સામાન્ય વ્યક્તિનું જીવન સરળ બને, તેમને વ્યવસ્થાઓ મળે આ માટે સરકાર નિરંતર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં વિકાસની ગતિને વિસ્તાર આપવા આજે લગભગ એક હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ધાટન અને ખાતમૂહર્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ના તેઓ પાકિસ્તાનથી ડરે છે ના તેઓ ભ્રષ્ટાચારીઓથી ડરે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જનધન એકાઉન્ટ, આધાર નંબર અને તમારા મોબાઇલે એવી ત્રિશક્તિનું નિર્માણ કર્યું છે. જેની મદદથી ભ્રષ્ટાચારીઓના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે. હવે તે સુનિશ્વિત થઇ ગયું છે કે કેન્દ્ર સરકાર જો 100 પૈસા મોકલે છે તો ગરીબોને પુરા 100 પૈસા મળે છે. અગાઉની જ સરાકારોએ જે વ્યવસ્થા બનાવી હતી તેમાં આપણા દેશમાં લગભગ 8 કરોડ લોકો એવા હતા જે ફક્ત કાગળ પર હતા અને ગરીબોના અધિકારો છીનવી રહ્યા હતા.

વડાપ્રધાને કહ્યું કે, ફક્ત પોતાના પરિવાર, ફક્ત સ્વાર્થની રાજનીતિ કરનારા નેતાઓને નવું ભારત, ભારતની નવી રીતિ, નવી નીતિ પસંદ આવી રહી નથી. મોદીએ કર્ણાટકની કોગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર પર નિશાન સાધ્યું  હતું. તેમણે કહ્યું કે રિમોટથી ચાલનારી  કર્ણાટક સરકાર રાજ્યના ખેડૂતોની યાદી કેન્દ્ર પાસે મોકલી રહી નથી. રાજ્ય સરકાર ખેડૂતોના અધિકારીઓથી દૂર રાખી રહી છે.