Independence Day: વડાપ્રધાન મોદીએ કહ્યું, 'આપણા દેશમાં સુપ્રીમ કોર્ટે વારંવાર UCC વિશે ચર્ચા કરી છે. ઘણી વખત ઓર્ડર આપ્યો છે. કારણ કે દેશનો એક મોટો વર્ગ માને છે કે આપણે જે સિવિલ કોડ હેઠળ જીવી રહ્યા છીએ તે વાસ્તવમાં સાંપ્રદાયિક અને ભેદભાવપૂર્ણ છે. તેમણે કહ્યું, 'જે કાયદાઓ ધર્મના આધારે વિભાજન કરે છે. ઉંચ-નીંચનું કારણ બને છે. તે કાયદાઓને આધુનિક સમાજમાં કોઈ સ્થાન હોઈ શકે નહીં. હવે દેશની માંગ છે કે દેશમાં સેક્યુલર સિવિલ કોડ હોવો જોઈએ.


આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદીએ કહ્યું હોય કે યુનિફોર્મ સિવિલ કોડ દેશની જરૂરિયાત છે. ગયા વર્ષે મધ્યપ્રદેશમાં એક રેલીમાં તેમણે કહ્યું હતું કે, 'જો પરિવારના એક સભ્ય માટે એક નિયમ અને બીજા સભ્ય માટે બીજો નિયમ હોય તો શું તે ઘર ચાલી શકશે? તો આવી બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે?


સેક્યુલર સિવિલ કોડ(Secular Civil Code)ની વાત શા માટે?
સેક્યુલર સિવિલ કોડ કે યુનિફોર્મ સિવિલ કોડ  અથવા સમાન નાગરિક સંહિતા એટલે કે બધા ધર્મો માટે એક સમાન કાયદો. સરળ ભાષામાં કહીએ તો, એક દેશ-એક કાયદો. હાલમાં, લગ્ન, છૂટાછેડા, દત્તક લેવાના નિયમો, વારસો, મિલકતોને લગતી બાબતો માટે તમામ ધર્મોમાં જુદા જુદા કાયદા છે. જો યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો દરેક માટે સમાન કાયદો હશે, પછી ભલે તે કોઈપણ ધર્મ કે જાતિનો હોય. હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધોની અંગત બાબતો હિંદુ મેરેજ એક્ટ દ્વારા સંચાલિત થાય છે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને પારસીઓના અંગત કાયદા અલગ છે. આવી સ્થિતિમાં જો યુસીસી આવશે તો તમામ ધર્મોના વર્તમાન કાયદાઓ રદ્દ થઈ જશે. ત્યારબાદ લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસો અને મિલકત સંબંધિત બાબતો પર તમામ ધર્મોમાં એક જ કાયદો હશે.


જુદા જુદા ધર્મોમાં શું?
લગ્નની ઉંમર: કાયદેસર રીતે, જ્યારે છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોય ત્યારે લગ્ન માન્ય ગણવામાં આવે છે. તમામ ધર્મોમાં પણ લગ્ન માટેની આ કાયદેસરની ઉંમર છે. પરંતુ મુસ્લિમોમાં છોકરીઓના લગ્ન 15 વર્ષની ઉંમરે પણ કરી દેવામાં આવે છે.


બહુપત્નીત્વ: હિન્દુ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી અને જૈન ધર્મોમાં માત્ર એક જ લગ્નની મંજૂરી છે. બીજા લગ્ન ત્યારે જ થઈ શકે છે જ્યારે પહેલી પત્ની કે પતિ છૂટાછેડા લઈ ચૂક્યા હોય. પરંતુ મુસ્લિમોમાં પુરુષોને ચાર વખત લગ્ન કરવાની છૂટ છે. એકવાર યુસીસી આવી જશે, બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકાઈ જશે.


છૂટાછેડાઃ હિંદુ સહિત ઘણા ધર્મોમાં છૂટાછેડાને લઈને અલગ-અલગ નિયમો છે. છૂટાછેડા માટે અલગ અલગ આધાર છે. છૂટાછેડા લેવા માટે હિંદુઓએ 6 મહિના અને ખ્રિસ્તીઓએ બે વર્ષ અલગ રહેવું પડે છે. પરંતુ મુસ્લિમોમાં છૂટાછેડાના અલગ-અલગ નિયમો છે. જ્યારે યુસીસી આવશે ત્યારે આ બધું સમાપ્ત થશે.


દત્તક લેવાનો અધિકાર: કેટલાક ધર્મોના અંગત કાયદા મહિલાઓને બાળક દત્તક લેતા અટકાવે છે. ઉદાહરણ તરીકે, મુસ્લિમ મહિલાઓ બાળકને દત્તક લઈ શકતી નથી. પરંતુ હિન્દુ મહિલા બાળકને દત્તક લઈ શકે છે. UCCના આગમનથી તમામ મહિલાઓને બાળક દત્તક લેવાનો અધિકાર મળશે.


મિલકતનો અધિકારઃ હિંદુ છોકરીઓને તેમના માતા-પિતાની મિલકતમાં સમાન અધિકાર છે. પરંતુ જો કોઈ પારસી છોકરી બીજા ધર્મના પુરુષ સાથે લગ્ન કરે તો તેને મિલકતમાંથી કોઈ હિસ્સો મળતો નથી. યુસીસીના આગમન સાથે, તમામ ધર્મોમાં વારસા અને મિલકતની વહેંચણી સંબંધિત એક જ કાયદો રહેશે.


શું બંધારણ આને મંજૂરી આપશે? 
બંધારણની કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જવાબદારી સરકારની છે. અનુચ્છેદ 44 વારસા, મિલકતના અધિકારો, લગ્ન, છૂટાછેડા અને બાળકની કસ્ટડી સંબંધિત સમાન કાયદાની વિભાવના પર આધારિત છે.