નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદ પર એક મહિનાથી ખેડૂતોનું પ્રદર્શન યથાવત છે. તેની વચ્ચે પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સાતમો હપ્તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બટન દબાવીને રિલીઝ કર્યા હતા. દેશના 9 કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ છ રાજ્યના ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી.


દેશને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, ‘ખેડૂતોના જીવમાં ખુશી, આપણા બધાના જીવનમાં ખુશી વધારે છે. આજનો દિવસ ખૂબજ પાવન પણ છે. ખેડૂતોને આજે જે સન્માન નિધિ મળી છે, તેની સાથે જ આજનો દિવસ ઘણા અવસરોનો સંગમ બનીને પણ આવ્યો છે. ’

પીએમ મોદીએ વધુમાં કહ્યું, મને આજે આ વાતનો અફસોસ છે કે પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત ભાઈ-બહેનોને તેનો લાભ મળી શક્યો નથી. બંગાળના 23 લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન આવેદન કરી ચૂક્યા છે, પરંતુ રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રક્રિયાને આટલા લાંબા સમયથી રોકી રાખ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, પહેલાની સરકારોની નીતિના કારણે દેશની કૃષિ અને ખેડૂતોનો એટલો વિકાસ નથી થયો જેટલો તેઓમાં સામાર્થ્ય હતું. પહેલાની સરકારોની નીતિઓના કારણે સૌથી વધુ નાનો ખેડૂત બરબાદ થયો છે.
અરુણાચલના ખેડૂત સાથે સંવાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકો એવો ભ્રમ ફેલાવી રહ્યાં છે કે, તમારો પાક કોઈ કોન્ટાક્ટ કરશે તો જમીન પણ જતી રહેશે. એટલું બધુ જૂઠ બોલી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ-કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા મોકલવામાં આવે છે. બે હજાર રૂપિયાની રકમ ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે.