નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 45મી વખત દેશવાસીઓ સાથે રેડિયો કાર્યક્રમ મનકી બાતના માધ્યમથી દેશ સાથે વાત કરી હતી. પીએમ મોદીએ જીએસટીના વખાણ કર્યા. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું એક વર્ષ પહેલા જ જનશક્તિના કારણે વન નેશન, વન ટેક્સનું સપનું પૂર્ણ થયું. આ સાથે જ પીએમ મોદીએ અન્ય ઘણા મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી. આ વખતે પ્રધાનમંત્રીએ રેડિયો શોમાં ખાસ કરીને યોગ, રમત અને ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે યોગ હવે રાષ્ટ્ર, જાતિ અને ધર્મની સીમાઓને ભાંગી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું જીએસટી પહેલા દેશમાં 17 અલગ-અલગ પ્રકારના ટેક્સ હતા પરંતુ આ વ્યવસ્થામાં હવે માત્ર એક ટેક્સ સમગ્ર દેશમાં લાગૂ છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, આ 21 જૂને ચોથા યોગ દિવસ પર અલગ જ નજારો હતો. આખી દુનિયામાં લોકો યોગ કરતા જોવા મળ્યા. સાઉદી અરેબિયામાં પહેલીવાર યોગનો ઐતિહાસિક કાર્યક્રમ થયો. લદાખની બર્ફીલી ટોચ પર પર ભારત અને ચીનના સૈનિકોએ પણ યોગ કર્યા. યોગ લોકોને જોડે છે. દેશને ગર્વ થાય છે જ્યારે સવા સો કરોડ લોકો જુએ છે કે દેશના સૈનિકોએ જળ, સ્થળ અને હવામાં યોગ કર્યા. અમદાવાદમાં એક અદ્ભુત દ્રષ્ય જોવા મળ્યું. ત્યાં 750 દિવ્યાંગ ભાઈ-બહેનોએ એકસાથે યોગાભ્યાસ કરીને કિર્તીમાન સ્થાપિત કર્યો. યોગ આજે વિશ્વમાં વેલનેસ રિવોલ્યુશનનું કામ કરે છે.
લોકોને એવી ઇચ્છા છે કે, હું 1 જૂલાઈના રોજ આવનારા ડોક્ટર્સ ડે વિશે વાત કરું. આ એક એવો દિવસ છે જ્યારે દેશ આપણા ડોક્ટર્સની ઉપલબ્ધિઓને સેલિબ્રેટ કરે છે. આપણે એ લોકો છીએ જે માતાને ભગવાનની જેમ પૂજીએ છીએ. મા આપણને જન્મ આપે છે, તો ડોક્ટર આપણને પુનર્જન્મ આપે છે. ડોક્ટર પરિવારના મિત્ર જેવા હોય છે. તેઓ ફક્ત ઇલાજ નથી કરતા, સાજા પણ કરે છે. મેડિકલ એક્સપર્ટાઇઝ તો હોય જ પણ જનરલ લાઇફસ્ટાઇલ ટ્રેન્ડ્ઝ વિશે પણ તેઓ સમજ આપે છે. ભારતીય ડોક્ટરોએ પોતાની ક્ષમતા અને કુશળતાથી વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. હું મનકી બાતના માધ્યમથી હું દેશના તમામ ડોક્ટર્સને ડોક્ટર્સ ડેની શુભકામનાઓ આપું છું.
પીએમ મોદીએ નૌસેનાની 6 મહિલા કમાન્ડો દ્વારા 250થી પણ વધુ દિવસ સમુદ્રમાં આઇએનએસ તારિણી જહાજમાં આખી દુનિયાની સફર ખેડીને સફળતાપૂર્વક 21મેના રોજ પરત આવવા પર અભિનંદન આપ્યા હતા.