નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે અફઘાનિસ્તાનના  કાબૂલમાં સ્થિત ‘સ્ટોર પેલેસ’(પુનઃનિર્મિત)નું ઉદ્ધાટન કર્યું  હતું. ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, અમે 120 કરોડ ભારતીયો શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે અફઘાનિસ્તાનની સાથે હમેશા ઉભા રહીશું. આ સ્ટોર પેલેસ ‘દારલ અમન’ પેલેસના નામે પણ ઓળખાય છે.

આ સ્ટોરના ઉદ્ધાટનમાં વડાપ્રધાન મોદી સાથે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની પણ જોડાયા હતા. મોદીએ કહ્યું કે અફઘાનિસ્તાન ભારતનું એક ગાઢ મિત્ર છે. અમારા સમાજ અને લોકો વચ્ચે સદીઓથી  જૂના સંબધો છે. એટલા માટે અમને તે જોઇને દુખ થાય છે કે તમારા ગૌરવશાળી દેશને વિદેશી તાકાતો, હિંસા અને આતંક ફેલાવનારા લોકો તરફથી સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. મોદીએ નોર્થ બ્લોક સ્થિત તેમની ઓફિસમાંથી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મોદીએ કહ્યું કે દરેક મુશ્કેલીમાં ‘ભારત અફઘાનિસ્તાનના તમામ નાગરિકોના તેજસ્વી ભવિષ્ય માટે તેમની સાથે મળીને કામ કરશે.’