ચેન્નઈઃ શુક્રવારે 5 કલાકની મુલાકાત બાદ આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ચેન્નઈના કોવલમમાં ફરી એક વખત મુલાકાત થઈ હતી. પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીતમાં ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા.

બેઠક મોદીએ કહ્યું, ભારત અનેચીન વચ્ચે સાંસ્કૃતિક સંબંધ છે. બંને દેશોના સંબંધો પહેલાથી મજબૂત થયા છે. હું સ્થાપના દિવસ પર ચીનને અભિનંદન આપુ છું. બંને દેશોના સંબંધો વિશ્વમાં શાંતિનું ઉદાહરણ છે. આપણે એકબીજાની સમસ્યાઓ અંગે વિચારીશું. એકબીજા અંગે સંવેદનશીલ બની રહીશું. વર્ષ 2000થી ચીન અને ભારત આર્થિક શક્તિ બનેલા છે.


આ પહેલા બંને નેતાઓ વચ્ચે કોવ રિસોર્ટમાં અડધાથી વધારે મુલાકાત થઈ હતી. આ દરમિયાન તેમની સાથે કોઇ પ્રતિનિધિમંડળ નહોતું.


મોદીએ શી જિનપિંગ માટે લંચનું આયોજન કર્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે વિદેશ મંત્રી વાંગ યી અને સ્ટેટ કાઉન્સલર યાંગ જિએચી સહિત 100 સભ્યોનું મજબૂત પ્રતિનિધિમંડળ આવ્યું છે. ચીની પ્રતિનિધિમંડળમાં સીપીપી કેન્દ્રીય કમિટી અને રાજકીય બ્યૂરોના સભ્ય ડિંગ શુઈશિયાંગ, સ્ટેટ કાઉન્સલર યાંગ જિએચી, વિદેશ મંત્રી વાંગ યી સહિતના સભ્યો સામેલ છે. ગઈકાલે જ પ્રધાનમંત્રી મોદીએ શી જિનપિંગ સાથે વેપાર અને આતંકવાદ પર વાતચીતને લઈ એજન્ડા સેટ કરી દીધો હતો.




મહાબલીપુરમમાં પ્રધાનમંત્રી આજે સવારે દરિયાકાંઠે લટાર મારવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે સમુદ્ર કાંઠા પર સફાઇ કરી અને ખુદ કચરો પણ ઉઠાવ્યો હતો. મોદીએ આ અંગેનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયો શેર કરીને લખ્યું, આજે સવારે 30 મિનિટ સફાઇ અભિયાન ચલાવ્યું. બીચ પર ઉઠાવેલો કચરો હોટલ સ્ટાફને સોંપી દીધો. આપણે ફિટ અને સ્વસ્થ રહે તે સુનિશ્ચિત કરીએ.