NCP Ajit Pawar : મહારાષ્ટ્રમાં શિવસેનામાં વિભાજન થયા બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં ભાગલા પડ્યા છે. ભૂતકાળમાં NCPના સુપ્રીમો અને સ્થાપક શરદ પવારે જે રીતે પાર્ટી સંગઠનમાં ફેરબદલ કર્યો હતો. ત્યારથી તેમના ભત્રીજા અજિત પવારની નારાજગીના સમાચાર સામે આવતા રહેતા હતા. આ બીજી વખત છે જ્યારે અજિત પવારે અલગ રસ્તો અપનાવ્યો છે. પક્ષમાં જે રીતે વિભાજન થયું છે તેના પરથી આ આખો રાજકીય ઘટનાક્રમ બળવો દેખાઈ રહ્યો છે.
ગત વખતે પણ અજિત પવાર ઘણા ધારાસભ્યોને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારે ખુદ શરદ પવારે અજિત પવાર અને ધારાસભ્યોને પાછા લાવવા માટે સખત પ્રયાસ કરવો પડ્યો હતો. જે ધારાસભ્યો મુશ્કેલીથી ગુરુગ્રામ પહોંચી ગયા હતા તેઓ પાર્ટીમાં પરત ફર્યા હતા. ત્યારે પણ કહેવાતુ હતું કે, મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય તરીકે ઓળખતા શરદ પવાર ભત્રીજા અજીત પવારને ઓળખવામાં થાપ ખાઈ ગયા હતાં. હવે ફરીવાર પણ કંઈક એવી જ પરિસ્થિતિ ઉભી થઈ છે. જેથી આજે પણ એ જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે, શું શરદ પવાર ફરી એકવાર તેમના જ ભત્રીજાનું મન કળવામાં અને રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવવામાં ભૂલ કરી ગયા?
જોકે હવે આ વખતે જોવાનું એ રહેશે કે શરદ પવાર આ પડકારનો કેવી રીતે સામનો કરે છે? શું શરદ પવાર ભત્રીજા અજીત પવાર અને તેમની સાથે બળવો કરીને ગયેલા ધારાસભ્યોને પાર્ટીમાં પાછા લાવી શકશે કે પછી રાજકીય ધોબીપછાડનો શિકાર બનશે.
53માંથી 18 ધારાસભ્યો તૂટ્યા!
મહારાષ્ટ્રની વિધાનસભામાં એનસીપીના 54 ધારાસભ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 54માંથી અજીત પવાર સાથે 36 ધારાસભ્યો છે. તેમના પરથી સ્પષ્ટ થાય છે કે, એનસીપીમાં ઓલ ઈઝ વેલ નથી જ. NCPમાં બળવો થયો છે જેથી તો હવે સવાલ એ છે કે, મહા વિકાસ આઘાડી (MVA)નું શું થશે? MVAમાં માત્ર શરદ પવારની NCP અને કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જ ટકી શકશે? બીજો મોટો પ્રશ્ન એ છે કે, જે રીતે એકનાથ શિંદે આખી શિવસેનાને પોતાની સાથે લઈ ગયા. શું શરદ પવાર સામે પણ આ જ પ્રકારનો પડકાર આવશે? મહારાષ્ટ્રના મંત્રી સુધીર મુનગંટીવારે તો દાવો કર્યો છે કે, NCPના 40થી વધુ ધારાસભ્યો સરકાર સાથે છે. જો આમ થશે તો શું એનસીપીની હાલત શિવસેના જેવી થશે?
વિપક્ષી એકતાને ઝટકો
NCP સુપ્રીમો પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં પહોંચ્યા હતા. આમાં તેમની પુત્રી સુપ્રિયા સુલે પણ તેમની સાથે ગયા હતા. બરોબર લાગ લઈને અજિત પવારે એવા સમયે NCPને તોડી છે જ્યારે વિપક્ષી એકતાની કવાયત અને મોદી વિરુદ્ધ મોરચો બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં પણ તેનો ફરક ચોક્કસથી પડશે. જાહેર છે કે, મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે.
જૂને 17 વખાણ ને 2 બળવો
NCP નેતા અજિત પવારે 17 જૂને PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી નેહરુ અને ઈન્દિરા જેવા કરિશ્માઈ નેતા છે. ભાજપ તેમના કામના કારણે સત્તામાં છે. અજિત પવારે અગાઉ એપ્રિલમાં પણ પીએમના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, 2 સાંસદો સાથે ભાજપ 2014 અને 2019માં મોદીના કારણે જ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી શકી હતી.