Prayagraj : પ્રયાગરાજ હિંસામાં યોગી સરકારની કડક કાર્યવાહી જોવા મળી છે. આ કેસના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘરને બુલડોઝર દ્વારા ઘર તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સમયે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જાવેદ પંપ પાસે આલીશાન બંગલો છે અને ટુંક સમયમાં આ બંગલાને બુલડોઝર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જુઓ આ વિડીયો 


અગાઉ જાવેદને નોટિસ અપાઈ હતી 
નોંધનીય છે કે મામલાની ગંભીરતાને સમજીને ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. અગાઉ જાવેદના ઘરે નોટિસ ચોંટાડવામાં આવી હતી અને આજે સવારે 11 વાગ્યે બુલડોઝરની કાર્યવાહીની જાણ કરવામાં આવી હતી. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે યોગી સરકાર યુપીમાં હિંસા પર ચૂપ બેસવાની નથી.






10 જૂને થયેલી હિંસાનો મુખ્ય આરોપી જાવેદ અહેમદ
10 જૂને શુક્રવારની નમાજ બાદ થયેલી હિંસામાં જાવેદ અહેમદનું નામ સામે આવ્યા બાદ કરવામાં આવી રહેલી કાર્યવાહીને અલગ જ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. પ્રયાગરાજ હિંસા કેસમાં જાવેદ પંપની સાથે તેની પત્ની અને પુત્રી પણ સામેલ હોવાનું કહેવાય છે. જાવેદ પંપ સામે રવિવારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અગાઉ આપવામાં આવેલી નોટિસના આધારે કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.


પ્રયાગરાજ ડેવલોપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા સવારે 11 વાગ્યા સુધીમાં ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, પોલીસ અને વહીવટીતંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બપોરે 12.45 કલાકે બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ હતી.


હિંસા સામે યોગી સરકારની કડક કાર્યવાહી 
ગઈ કાલે 11 જૂને  અધિકારીઓને કડક સૂચના આપતાં સીએમ યોગીએ કહ્યું હતું કે હિંસા ફેલાવનારા તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓએ કરવી જોઈએ અને આ મામલે આજે પ્રશાસને હિંસાના મુખ્ય આરોપી જાવેદ અહેમદ પંપના ઘરે મોટી કાર્યવાહી કરી. કાર્યવાહી કરવા જાવેદ પંપના ઘરે બે બુલડોઝર આવી ગયા છે.