Uddhav Thackeray: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister)એ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને એક બેઠક બોલાવી છે જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હાજરી આપશે નહીં. આ બેઠક 15 જૂને યોજાવાની છે. શિવસેના તરફથી આ બેઠકમાં કોણ હાજર રહેશે, તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ સીએમ ઉદ્ધવ ઠાકરે બેઠકમાં નહીં જાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. શિવસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર 15 જૂને ઉદ્ધવ ઠાકરેનો એક કાર્યક્રમ અગાઉથી જ નક્કી છે, જેના કારણે તેઓ આ બેઠકમાં ભાગ લેશે નહીં.
શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે આ માહિતી આપી હતી. રાઉતના જણાવ્યા અનુસાર ઠાકરે આ બેઠકના દિવસે અયોધ્યામાં હશે. સંજય રાઉતે કહ્યું, 'ઉદ્ધવ ઠાકરેને 15 જૂને દિલ્હીમાં બેઠક માટે આમંત્રણ મળ્યું છે. અમે તે સમયે અયોધ્યામાં હોઈશું, અમારી પાર્ટીના એક મોટા નેતા બેઠકમાં ભાગ લેશે. તો સાથે જ શિવસેનાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે બેઠકમાં વિપક્ષ જેને પણ પ્રમુખના નામ પર પસંદ કરશે, શિવસેના તેની સાથે મક્કમતાથી ઉભી રહેશે.
મમતા બેનર્જીએ આ બેઠક માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેરળના સીએમ પિનારાઈ વિજયન, ઓડિશાના સીએમ નવીન પટનાયક, તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવ, તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના સીએમ હેમંત સોરેન, પંજાબના સીએમ ભગવંત માન અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત 22 નેતાઓને પત્ર લખ્યો છે.
18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે . ચૂંટણીની મતગણતરી 21 જૂલાઈના રોજ થશે. રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ 24 જૂલાઈએ પૂરો થઈ રહ્યો છે.