નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા પર રોજ 1.62 કરોડ રૂપિયા ખર્ચાય છે તેવો ખુલાસો સરકારના ગૃહ મંત્રાલયે કર્યો છે. લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યુ હતુ કે, એસપીજી દ્વારા માત્ર પીએમને સુરક્ષા અપાય છે.


આ સિવાય દેશના બીજા 56 વીઆઈપીની સુરક્ષાની જવાબદારી સીઆઈએસએફ સંભાળે છે. રેડ્ડીએ કહ્યુ હતુ કે, નવા કાયદા પ્રમાણે હવે એસપીજીની સુરક્ષા વ્યવસ્થા માત્ર પીએમ અને તેમના પરિવાજનોને જ મળશે. જોકે ગૃહ મંત્રાલય દ્વારા કોને વીઆઈપી સુરક્ષા અપાઈ છે તેમના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ વાત સંસદમાં ત્યારે સામે આવી જ્યારે DMK સાંસદ દયાનિધિ મારને પ્રશ્ન પૂછ્યો. તેઓએ પૂછ્યું કે હાલના સમયમાં દેશમાં કોને કઈ સુરક્ષા મળી રહી છે. આ સમયે તેઓએ ચર્ચા કરી કે દેશમાં હાલમાં CRPFની સુરક્ષા 56 લોકોને મળી રહી છે. SPG ફોર્સ માટે 2020-21ના બજેટમાં 592.55 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો છે. જે ગત વર્ષના બજેટની સરખામણીએ ઘણો વધારે છે. અંદાજે 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તે સમયે પીએમ મોદી સિવાય કોંગ્રેસની સોનિયા ગાંધી, તેમના બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ આ સિક્યોરિટીનો ફાયદો મળતો હતો.

બજેટમાં પીએમ મોદીની સુરક્ષાને માટે રૂપિયા 592 કરોડ ફાળવવામાં આવ્યા છે. એક દિવસમાં 1.62 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને 1 કલાકમાં આ રકમ 6.75 લાખ અને પ્રતિ મિનિટ 11,263 રૂપિયાનો ખર્ચ થાય છે.

નોંધનીય છે કે, 1984માં પીએમ ઈન્દિરા ગાંધીની તેમના જ બોડીગાર્ડસ દ્વારા હત્યા કરાયા બાદ વીઆઈપી સુરક્ષા માટે એસપીજી એટલે કે સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ બનાવવામાં આવ્યુ છે.