નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાને લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત વિરષ્ઠ નેતાઓએ રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગના પ્રમુખ (NHRC) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશ પોલીસની કામગીરી અંગે વિસ્તૃત અહેવાલ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તરપ્રદેશ પોલીસે સીએએ વિરૂદ્ધ પ્રદર્શન કરતા લોકો પર અત્યાચાર કર્યો છે.


રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ, અભિષેક મનુ સિંઘવી, જિતિન પ્રસાદ, રાજીવ શુક્લા અને સલમાન ખુર્શીદ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત મહિને ડિસેમ્બરમાં ઉત્તરપ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસી વિરૂદ્ધ યૂપીમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં ઘણા લોકોના જીવ ગયા છે અને ઘણા ઘાયલ થયા છે.


ઉત્તર પ્રદેશમાં સીએએ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં અગ્નિદાહ અને હિંસક ઘટનાઓ નોંધાઈ હતી, જે પછી પોલીસે કાર્યવાહી કરી હતી.

સુધારેલા નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરુદ્ધ દેશભરના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. એક મહિનાથી વધુ સમયથી દિલ્હીના શાહીન બાગ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.