મેરઠઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે મેરઠની એક હોસ્પિટલમાં દાખલ ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ સાથે મુલાકાત કરી હતી.  પ્રિયંકાની સાથે યૂપી પશ્ચિમના ચૂંટણી પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હતા. મુલાકાત બાદ ચંદ્રશેખર પણ કોંગ્રેસમાં સામેલ થાય અથવા ગઠબંધન કરે તેવી અટકળો થઈ રહી છે.


ભીમ આર્મીના અધ્યક્ષે કહ્યું કે, તેઓ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી સામે ઉતરશે. તેણે કહ્યું હતું કે, સંગઠનમાંથી કોઈ મજબૂત ઉમેદવાર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવશે અને ઉમેદવાર નહીં મળે તો હું ખુદ મોદી સામે ચૂંટણી લડીશ. લોકસભા ચૂંટણીમાં માયાવતીને પૂરો સપોર્ટ કરવામાં આવશે.


ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરની પોલીસ મંગળવારે દેવબંદમાં ધરપકડ કરી હતી. તેના પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ છે. બાદમાં તેની તબિયત ખરાબ થતાં મેરઠ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. બુધવારે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોસ્પિટલમાં તેની સાથે મુલાકાત કરી હતી.