ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલમાં સુરક્ષાદળોની સાથે હજારો લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી અને પુલવામામાં શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. બીજી તરફ સરકાર પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે. આજે સંસદ ભવનમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક અવાજે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાને લઈને ચર્ચા થઈ હતી.


મહારાષ્ટ્રના પુણેમાં પીએમ મોદીએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું, ભારત નવી રીતિ અને નવી નીતિનો દેશ છે, આ હવે દુનિયા પણ અનુભવ કરશે. ભારતની એ નીતિ રહી છે કે આપણે કોઈને છેડતા નથી, પરંતુ નવા ભારતને કોઈએ છેડ્યુ તો તેને છોડતા પણ નથી.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો થયો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલો ગુરૂવારે થયો જ્યારે સીઆરપીએફના 2500 જવાનોનો કાફલો શ્રીનગર જઈ રહ્યો હતો.