મુક્તાસરઃ પંજાબના મુક્તસાર જિલ્લામાં આવેલા મલોટ શહેરમાં ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ પર આંદોલનકારી ખેડૂતોએ હુમલો કર્યો હતો. ધારાસભ્યને માર મારીને તેના કપડાં ફાડી નાંખીને મોં કાળું કર્યુ હતું. પંજાબની અબોહર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ મલોટમાં પંજાબ સરકારની નીતિઓના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. પ્રેસ કોન્ફરન્સ શરૂ થાય તે પહેલાં જ પ્રદર્શનકારી ખેડૂતોએ ઘટનાસ્થળે હોબાળો મચાવ્યો હતો.
કેન્દ્ર સરકારના કાયદાઓથી નારાજ ખેડૂતોએ ધારાસભ્યને નિશાન બનાવીને તેના કપડાં ફાડી નાખ્યા હતા. ઘટનાસ્થળે ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. પોલીસે ધારાસભ્યને ખેડૂતો પાસેથી છોડાવ્યા હતા. આંદોલનકારી ખેડૂતોએ અન્ય બે ભાજપના નેતાઓને પણ નિશાન બનાવ્યા હતા. એ નેતાઓને ઈજા પહોંચી છે.
આ મામલે પંજાબમાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો કે જવાબદાર લોકો સામે પગલાં ભરવાની માગ ઉઠી હતી. મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા હતા અને હુમલાખોરો સામે સખ્ત કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો હતો.
પોલીસ વડાએ કહ્યું હતું કે આ ઘટનામાં શંકાસ્પદ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમના સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. વાયરલ થઈ રહેલાં વીડિયોના આધારે આરોપીઓની ઓળખની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું પોલીસે કહ્યું હતું.
આ ઘટના પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચુઘે અમરિંદરની નેતૃત્વવાળી સરકાર પર નિશાન સાધ્યું હતું અને રાજ્યમાં કાનૂન અને વ્યવસ્થા પૂરી રીતે ભાંગી પડી હોવાનો દાવો કર્યો હતો. તેમણે ભાજપનો અવાજ દબાવવા માટે આ પ્રકારના હુમલા થઈ રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
હરિયાણા અને ઉત્તરપ્રદેશને સાંકળતી દિલ્હીની બોર્ડર પર ગત નવેમ્બરથી હજારો ખેડૂતો કૃષિ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે અને તેને પરત લેવાની માંગ કરી રહ્યા છે.
Holi Guidelines: આ વખતે અમદાવાદમાં નહીં જામે હોળી-ધૂળેટીનો રંગ, જાણો શું છે સરકારની નવી ગાઈડલાઈન્સ