પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહને રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી રહી છે. સૂત્રોએ આ માહિતી આપી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચૂંટણી પ્રચાર દરમિયાન જલંધરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવંત માન સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન પણ હરભજન સિંહને આપી શકે છે.


પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે 10 માર્ચે પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ટ્વીટ કરીને ભગવંત માનને તેમની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. ભગવંત માનની માતાને ગળે લગાડતા તેમની એક તસવીર શેર કરતા હરભજને લખ્યું હતું કે, "આમ આદમી પાર્ટી અને મારા મિત્ર ભગવંત માનને મુખ્યમંત્રી બનવા પર અભિનંદન. આ સાંભળીને આનંદ થયો કે, તેઓ ભગતસિંહના ગામ ખટકરકલાંમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 






તમને જણાવી દઈએ કે, પંજાબમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના પાંચ સાંસદ સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી પંચે આ બેઠકો પર ચૂંટણીની તારીખ જાહેર કરી છે. પંજાબમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે અને 22 માર્ચે ચકાસણી થશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 24 માર્ચ નક્કી કરવામાં આવી છે. 31 માર્ચના રોજ સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.


પંજાબમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત મેળવીને રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવી છે. કુલ 117 બેઠકોમાંથી AAPને 92 બેઠકો મળી છે. આ સાથે જ કોંગ્રેસના ખાતામાં 18 સીટો ગઈ છે. અકાલી દળે ત્રણ, ભાજપે બે, બસપા અને અપક્ષોએ એક-એક બેઠક જીતી છે. આમ આદમી પાર્ટી પંજાબની પાંચેય રાજ્યસભા બેઠકો કબજે કરી શકે છે.