પંજાબ (Punjab)ના  મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (CM Charanjit Singh Channi) શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રધાનમંત્રી સાથે એક કલાકથી વધુ સમય સુધી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીના  નિવાસસ્થાનેથી નીકળ્યા બાદ, ચરણજીત ચન્નીએ કહ્યું કે તે એક સૌજન્ય મુલાકાત હતી અને પીએમ મોદીએ તેમને સંપૂર્ણ સન્માન આપ્યું. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી મોદી સમક્ષ ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા.


પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રધાનમંત્રી સમક્ષ ત્રણેય કૃષિ કાયદાઓને નાબૂદ કરવાની માંગને પુનરાવર્તિત કરી. તેમજ કહ્યું કે ખેડૂતો સાથે ફરી વાતચીત શરૂ કરવી જોઈએ. તેમના પર પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે તેઓ આ મામલાનો ઉકેલ શોધી રહ્યા છે. મુખ્યમંત્રીએ પીએમ પાસે કોરોનાના કારણે બંધ કરતારપુર કોરિડોર ખોલવાની પણ માંગ કરી હતી. જ્યારે ત્રીજો મુદ્દો તેમણે પાકની ખરીદીનો ઉઠાવ્યો હતો.


પંજાબના મુખ્યમંત્રીએ ગુરુવારે કેન્દ્ર સરકારને 1 ઓક્ટોબરથી ડાંગરની ખરીદી સ્થગિત કરવા માટે જારી કરાયેલ પત્ર પાછો ખેંચવાની માગ કરી હતી. ડાંગરની સરકારી ખરીદી સામાન્ય રીતે 1 ઓક્ટોબરથી શરૂ થાય છે. તેમણે આ મામલે વડાપ્રધાન પાસેથી વ્યક્તિગત હસ્તક્ષેપની માંગ કરી હતી.


પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મંગળવારે કેન્દ્રને તેના કૃષિ કાયદાને તાત્કાલિક પાછી ખેંચવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર ટૂંક સમયમાં પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે જેથી તેને રદ કરી શકાય. સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ચન્નીએ કહ્યું કે તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અમરિંદર સિંહને કાયદાઓ રદ કરવા કહ્યું હતું પરંતુ તે સમયે કેબિનેટે તેમને વિવેક બુદ્ધિથી નિર્ણય લેવા માટે અધિકૃત કર્યા હતા.


જો કે, આ ‘કડક’ કાયદાઓને નકારવાને બદલે, તેમણે સુધારેલું બિલ લાવવાનું નક્કી કર્યું. ચન્નીએ કહ્યું કે તેમની સરકાર પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે અને “ખેડૂત વિરોધી” કાયદાઓને રદ કરશે. ચન્નીએ કહ્યું, ‘આ સામાન્ય માણસની સરકાર છે. કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં સારૂ કામ કર્યું છે. હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. અમે ખેડૂતોના પાણી અને વીજળીના બિલ માફ કરીશું.