ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીએ આ પાંચ ચૂંટણીવાળા રાજ્યોના પ્રદેશ પ્રમુખો પાસેથી રાજીનામું માંગ્યું છે. કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના પાંચેય રાજ્યોના વડાઓને ખરાબ પ્રદર્શન બાદ રાજીનામું આપવા માટે કહ્યું છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે આ જાણકારી આપી.


ઉત્તરાખંડના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોડિયાલે પણ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી લેતા આજે મેં મારું રાજીનામું સુપરત કર્યું છે. હું પરિણામના દિવસે રાજીનામું આપવા માંગતો હતો પરંતુ હાઈકમાન્ડના આદેશની રાહ જોતો રહ્યો. આ પહેલા દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે કોંગ્રેસને પાંચ ચૂંટણી રાજ્યોમાં કારમી હાર મળી છે.


નવજોત સિંહ સિદ્ધુએ પણ આપ્યું રાજીનામું


પંજાબમાં કોંગ્રેસની હાર બાદ હવે નવજોત સિંહ સિદ્ધુએ પંજાબમાં રાજ્ય સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે જ સોનિયા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધુ સહિત તમામ ચૂંટણી રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને મંગળવારે રાજીનામું આપવા કહ્યું હતું. કોંગ્રેસ પાર્ટી પાંચમાંથી એક પણ રાજ્યમાં સરકાર બનાવી શકી નથી.






રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને આ વાત કહી


અગાઉ, પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું હતું કે, "કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના રાજ્ય એકમના પ્રમુખોને રાજીનામું આપવા કહ્યું છે જેથી કરીને રાજ્ય કોંગ્રેસ સમિતિઓની પુનઃરચના કરવામાં આવે.” આ ચૂંટણી પછીનો આ પહેલો મોટો નિર્ણય છે. હાલમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિદ્ધુ પણ પાંચ રાજ્યોના પાર્ટીના પ્રમુખોને હટાવવામાં આવ્યા છે.