પટના: બિહારમાં પુષ્પમ પ્રિયા ચૌધરી નામની એક છોકરીએ જાહેરાત કરી છે કે તે આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની મુખ્યમંત્રી પદની ઉમેદવાર છે. દરભંગાની રહેવાસી પુષ્પમ પ્રિયાએ બિહારના તમામ ન્યૂઝ પેપરમાં એક જાહેરખબર આપી છે અને પોતાને મુખ્યમંત્રી ઉમેદવાર બતાવી છે. તેણે બિહારની જનતાને એક પત્ર પણ લખ્યો છે.

પુષ્પમ પ્રિયા ચૌધરીએ જણાવ્યુ કે, તેણે 'પ્લૂરલ્સ' (PLURALS) નામનો એક રાજકીય પક્ષ બનાવ્યો છે, જેની તે અધ્યક્ષ છે. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પુષ્પમ પ્રિયા ચૌધરીએ બિહારના છાપાઓમાં જાહેરાત આપીને મુખ્યમંત્રી પદ માટે દાવેદારી રજૂ કરી હતી. પુષ્પમ પ્રિયા ચૌધરીએ જાહેરાતમાં જણાવ્યું હતું કે, તેણીએ વિદેશમાં અભ્યાસ કર્યો છે અને હવે તે બિહાર પરત ફરી તેને બદલવા માંગે છે. આ જાહેરાતમાં પુષ્પમ પ્રિયા ચૌધરીએ એક પંચ લાઈન પણ આપી હતી 'જન ગણ સબકા શાસન'.

પુષ્પમ પ્રિયા ચૌધરીએ ઈગ્લેંડની ધ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ વિશ્વવિદ્યાલયથી એમએ ઈન ડેવલપમેન્ટ સ્ટડીઝ અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલીટિકલ સાયન્સથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમએ કર્યુ છે.


ચૌધરીએ આ જાહેરાતમાં જણાવ્યુ છે કે, તેમની પાર્ટી સકારાત્મક રાજનીતિ અને પૉલિસની મેકિંગની વિચારધારા પર કેન્દ્રિત છે. પુષ્પમ પ્રિયા ચૌધરીએ જાહેરાતમાં બિહારની જનતાને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, તેઓ જો બિહારના મુખ્યમંત્રી બની જશે તો, વર્ષ 2025 સુધીમાં બિહારને દેશનું સૌથી વિકસિત રાજ્ય બનાવી દેશે અને વર્ષ 2030 સુધી તેને યૂરોપિયન દેશ જેવુ બનાવી દેશે. તેણીએ બિહારને બદલવા માટે બિહારની જનતાને તેમનો સાથ આપવાની અપીલ કરી છે.

પુષ્પમ પ્રિયા ચૌધરી દરભંગાના જેડીયૂ નેતા અને પૂર્વ એમએલસી વિનોદ ચૌધરીની દિકરી છે. પુષ્પમ પ્રિયાના કાકા અજય ચૌધરી ઉર્ફ વિનય પણ જેડીયૂમાં છે અે તેઓ દરભંગાના જિલ્લા અધ્યક્ષ છે. તેના દાદા દિવંગત ઉમાકાંત ચૌધરી, નીતીશ કુમારના ઘણા નજીકના મિત્રોમાંથી એક હતા.