નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રાફેલ વિમાનની કિંમત અને ડીલની પ્રક્રિયાને લઈને એફિડેવિટ કરી છે. તેને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટમાં પોતાની ભૂલ સ્વીકારી છે. તેઓએ કહ્યું પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. રાફેલ સોદાને લઈને કૉંગ્રેસ મોદી સરકાર સતત પ્રહાર કરતી રહી છે. રાહુલ ગાંધીએ સીધા વડાપ્રધાન મોદી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.


રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, “સુપ્રીમ કોર્ટમાં મોદીજીએ પોતાની ભૂલ સ્વીકારી છે. એફિડેવિટમાં સ્વીકાર્યું છે કે વાયુ સેનાને પૂછ્યા વગર કૉન્ટ્રાક્ટ બદલ્યો અને 30 હજાર કરોડ રૂપિયા અંબાણીની કંપનીના ખિસ્સામાં નાખ્યાં. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. ”

રાહુલ ગાંધીએ ફ્રાંસની વિમાન બનાવનારી કંપની દસોલ્ટ એવિએશન પર પણ આરોપ લગાવ્યો છે. તેની વચ્ચે રાહુલ ગાંધીના આરોપોનો ફ્રાન્સની કંપની દસોલ્ટના સીઇઓ એરિક ટ્રેપિયરે જવાબ આપ્યો છે. એરિકે એક ન્યૂઝ એજન્સી સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હું ખોટું બોલતો નથી. અગાઉ પણ જે મેં કહ્યું છે તે સત્ય છે. તેમણે રાહુલ ગાંધી દ્ધારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. એરિકે કહ્યું કે, અમે જાતે જ ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની કંપનીની પસંદગી કરી છે. અમારા રિલાયન્સ સિવાય 30 અન્ય પાર્ટનર્સ પણ છે.

રાફેલની કિંમતોને લઇને સીઇઓએ કહ્યું કે, હાલમાં જેટ 9 ટકા સસ્તા મળી રહ્યા છે. 36 વિમાનોની કિંમત એટલી જ છે જેટલી 18 વિમાનોની હતી. એવામાં કિંમતો ડબલ થવી જોઇતી હતી પરંતુ આ સરકાર-સરકાર વચ્ચેનો કરાર છે એવામાં અમારે કિંમતો 9 ટકા સસ્તી કરવી પડી છે.
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ દસોલ્ટના સીઈઓના ઇન્ટરવ્યૂ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણએ કહ્યું બનાવટી ઇન્ટરવ્યૂથી કૌભાંડને દબાવી નહીં શકાય. આરોપીઓના નિવેદનનો કોઈ અર્થ નથી, લાભા ઉઠાવનારા આરોપી જજ નથી.