નવી દિલ્લી રઘુરામ રાજને આરબીઆઇ ગવર્નરના હોદ્દા પર બીજી ટર્મ માટે ઇન્કાર કરી દીધો છે. રાજને આરબીઆઇમાં પોતાના સાથીદારોને જણાવ્યું કે તેઓ 4 સપ્ટેમ્બરે ગવર્નર પદેથી પોતાની ટર્મ પૂરી કર્યા પછી એકેડેમિક્સમાં પાછા ફરશે. આ પછી નાણાપ્રધાન અરુણ જેટલીએ ટવીટર પર કહ્યું છે કે, સરકાર રાજનના સારા કામની પ્રશંસા અને તેમના નિર્ણયનું સન્માન કરે છે.
ઉલ્લેખનીય છે કે રાજન યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપના સુબ્રમણ્યન સ્વામી રાજનની વિરૂદ્ધ છે. તેમણે પીએમ મોદીને ચીઠ્ઠી લખી રાજન સામે સીબીઆઈની એસઆઈટીની તપાસ બેસાડવા પણ કહ્યું હતું.
જેટલીએ પોતાની પહેલી ટવીટમાં રાજના નિર્ણયની જાણકારી આપી લખ્યું હતું કે, ‘ડો. રઘુરામ રાજને પોતાનો ઇરાદો જાહેર કર્યો છે. તેઓ પોતાના કરન્ટ એસાઇન્મેન્ટ પછી એકેડેમિક્સમાં પાછા ફરવા માગે છે.’ બીજી ટવીટમાં જેટલીએ લખ્યું છે કે, ‘સરકાર તેમના સારા કામની પ્રશંસા અને તેમના નિર્ણયનું સન્માન કરે છે. તેમના ઉત્તરાધિકારીનો નિર્ણય ઝડપથી જાહેર કરવામાં આવશે.’
રાજનના આ નિર્ણય બાદ સરકાર વિપક્ષના નિશાને આવી ગઈ છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું કે ‘પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને બધી ખબર પડે છે. તેમને રઘુરામ રાજન જેવા વિષેશજ્ઞોની જરૂર નથી.’ બીજા એક ટ્વિટમાં રાહુલ ગાંધીએ દેશની આર્થિક સ્થિતિને મુશ્કેલ સમયમાં સંભાળવા માટે રાજનની ભૂમિકા માટે તેમને ધન્યવાદ આપ્યા હતા.