નવી દિલ્હી: લૉકડાઉન, બેરોજગારી અને અર્થવ્યવસ્થાને લઈને રાહુલ ગાંધીએ એકવાર ફરી મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારની નીતિઓના કારણે કરોડો લોકોએ નોકરી ગુમાવી છે અને જીડીપીમાં ઐતિહાસિક ઘટાડો થયો છે. આ સરકારે ભારતના યુવાઓના ભવિષ્યને કચડી નાખ્યું છે.

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ #SpeakUpForJobs સાથે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના મહામારીમાં સમજ્યા વિચાર્યા વગર લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું છે. જીડીપીમાં 23.9 ટકા ઘટાડો આવ્યો છે. લાખો લોકોએ નોકરી ગુમાવી છે. નાના-મધ્યમ વેપાર ખતમ થઈ ગયા છે.



રાહુલ ગાંધીના વીડિયોમાં દેશમાં બેરોજગારો અને ગરીબોને પ્રતિ માસ 6000 રૂપિયા આપવાની માંગ કરવામાં આવી છે. વીડિયોમાં કહ્યું, અમે દેશના લોકો તરફથી સહાયતાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર બેરોજગાર યુવાઓ અને ગરીબ પરિવારોને તત્કાલ ન્યાય આપે. 12 મહિના માટે પ્રતિ મહિને 6000 રૂપિયા રોકડા આપે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, સાર્વજનિક ઉપકરણોનું ખાનગીકરણ અને નોકરીઓમાં ઘટાડો કરવાનું બંધ કરો. કેન્દ્ર સરકારના 10 લાખથી વધુ ખાલી પડેલા પદ પર ભરતી કરો. ભાજપ સરકારે રોજગારીની તકો વધારવા માટે પોતાની નીતિઓમાં સુધારો કરવો જોઈએ.