નવી દિલ્હીઃ પુલવામા હુમલા પર મોદી સરકારને ઘેરવાના ચક્કરમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપીને કોગ્રેસ પર નિશાન સાધવા માટે એક તક આપી દીધી છે. દિલ્હીમાં બુથ અધ્યક્ષોના એક સંમેલનમાં સંબોધતા રાહુલ ગાંધીએ આતંકી મસૂદ અઝહરને ‘જી’ કહીને સંબોધિત કર્યો હતો. ભાજપે તરત જ રાહુલ ગાંધીના આ નિવેદનનો એક વીડિયો પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યો હતો.


વાસ્તવમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર તંજ કસતા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, પુલવામા હુમલામાં સીઆરપીએફના 40થી 50 જવાન શહીદ થયા હતા. સીઆરપીએફ બસ પર કોણે બોમ્બ ફોડ્યો?જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહરે... તમને યાદ હશે ને? 56 ઇંચના લોકોની તે સમયની સરકારના સમયમાં એરક્રાફ્ટમાં મસૂદ અઝહર જીની બેસાડીને અજીત ડોભાલ કંદહાર ગયા હતા.


રાહુલ ગાંધીએ  વડાપ્રધાન મોદી પર એકવાર ફરી ચોકીદાર ચોર છે કહીને નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, પાંચ વર્ષ અગાઉ દેશમાં ચોકીદાર આવ્યો, કહે છે કે ભ્રષ્ટાચાર સામે લડવા આવ્યો છું. 56 ઇંચની છાતી છે... મોદી... મોદી... મોદીના નારા તેમના લોકો લગાવતા હતા. સારા દિવસો આવશે. કોગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા. સાથે રાહુલે કહ્યું કે, મોદી મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે પરંતુ તેમના શર્ટ, જૂતા અને જે ફોનથી તેઓ સેલ્ફી લે છે તે ફોન પણ ચીનમાં બન્યો છે.


આતંકી મસૂદ અઝહરને રાહુલ ગાંધીએ ‘જી’ કહીને સંબોધિત કરવા પર ભાજપે પલટવાર કર્યો છે. કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદે ટ્વિટ કરી કહ્યું કે, કમ ઓન રાહુલ ગાંધીજી.. અગાઉ આ દિગ્વિજયજીની પસંદ હતા જેને તેઓ ઓસામા ‘જી’ અને હાફિઝ સઇદ ‘સાહબ’ કહેતા હતા. હવે તમે કહી રહ્યા છો મસૂદ અઝહર ‘જી’. કોગ્રેસ પાર્ટીને શું થઇ રહ્યું છે?