નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 18,552 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 384 લોકોના મોત થયા છે. તેને લઈને દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું છે.


કોરોના વાયરસને લઈ રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર નિશાન સાંધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું, 'કોવિડ 19 દેશના અન્ય ભાગમાં ઝડપથી ફેલાઈ રહ્યોછે. ભારત સરકારની તેને હરાવવાની કોઈ યોજના નથી. પ્રધાનમંત્રી મૌન છે. તેમણે આત્મસમર્પણ કરી દીધુ છે અને તેઓ મહામારી સામે લડાઈ લડવાનો ઈનકાર કરી રહ્યા છે.'



દેશમાં અનલોક-1માં છૂટછાટ આપ્યા બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર કરી ગઈ છે. રાહુલ ગાંધી કોરોના વાયરસને લઈ વારંવાર સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 5,08,953 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 15,685 લોકોના મોત થયા છે. 2,95,881 લોકો સાજા થઈ ગયા છે અને 1,97,387 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 18,552 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 384 લોકોના મોત થયા છે.