નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તાલકટોરા સ્ટેડિયમમાં પાર્ટીના બૂથ લેવલ કાર્યકર્તાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કેજરીવાલ પર CAA વિશે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે કહ્યું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 5 વર્ષ દિલ્હીના લોકોને છેતર્યા છે અને ભાજપ તેમની પાસેથી હિસાબ માંગશે.


ભાજપના રાષ્ટ્રીય અમિત શાહે કહ્યું- હજુ હમણા જ પ્રધાનમંત્રી CAA લઇને આવ્યા. કેબિનેટે તેને મંજૂરી આપી અને લોકસભાએ પસાર કરી દીધું. ત્યારબાદ કેજરીવાલ, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાએ લોકોને ગુમરાહ કરીને તોફાન કરાવવાનું કામ કર્યું છે. હું દિલ્હીની જનતાને પૂછવા માગુ છું શું તમે એવી સરકાર ઇચ્છો છો જે દિલ્હીમાં હુલ્લડ કરાવે.


નાગરિકતા કાયદાના વિરોધ પર અમિત શાહે કહ્યું વિપક્ષના લોકો કહે છે કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર અત્યાચાર નથી થતા. કેજરીવાલ, રાહુલ-સોનિયા ગાંધીજી આંખો ખોલીને જોઇ લો, હમણા જ નનકાના સાહિબ જેવા પવિત્ર સ્થળ પર હુમલો કરીને શીખ ભાઇઓને આતંકિત કરવાનું કામ પાકિસ્તાને કર્યું છે. અમિત શાહે કહ્યું મોદીજી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા દેવા જઇ રહ્યા છે તો દલિત વિરોધી કેજરીવાલ, રાહુલ ગાંધી તેનો વિરોધ કરી રહ્યા છે.