માયાવતીએ રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કરી માંગ, ગેહલોતને લઈ કહી આ વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jul 2020 01:28 PM (IST)
રાજસ્થાનમાં ઓડિયો ક્લિપના આધારે એસઓજીએ શુક્રવારે બે એફઆઈઆર નોંધી છે.
લખનઉઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અશોક ગેહલોત સરકારે ઓડિયો ટેપ બહાર પાડી છે. જેને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયવતીનું મોટું નિવેદન સામે આવ્યું છે. માયાવતીએ કહ્યું, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પહેલા પક્ષ પલટા કાનૂનના ઉલ્લંઘન તથા બીએસપી સાથે સતત બીજી વખત દગાબાજી કરીને પાર્ટીના ધારાસભ્યને કોંગ્રેસમાં સામેલ કર્યા. હવે તેમણે ફોન ટેપ કરાવીને ગેરબંધારણીય કામ કર્યુ છે. આ રીતે રાજસ્થાનમાં સતત ચાલી રહેલા રાજકીય સંકટ, સરકારી અસ્થિરતાની હાલતને ધ્યાનમાં રાખી રાજ્યમાં લોકતંત્રની વધારે દુર્દશા ન થાય તે માટે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરવી જોઈએ. રાજસ્થાનમાં ઓડિયો ક્લિપના આધારે એસઓજીએ શુક્રવારે બે એફઆઈઆર નોંધી છે. રાજસ્થાન કોંગ્રેસે કેન્દ્રીય નેતા ગજેન્દ્રસિંહ શેખાવત પર ગેહલોત સરકાર ઉથલાવી દેવાનું કાવતરું ઘડ્યાનો આક્ષેપ કર્યો હતો. જેને શેખાવતે નકારી કાઢયો હતો અને તેમણે આ બાબતે કોઈપણ તપાસનો સામનો કરવાની તૈયારી દર્શાવી હતી.