નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા રાજીવ શુક્લાએ ગુરુવારે સર્જિકલ સ્ટ્રાઇક મારફતે કટાક્ષ કરતા કહ્યું હતું કે, મોદી સરકારે પાકિસ્તાન પર કરેલા એક સર્જિકલ સ્ટ્રાઇક પર પીઠ થપથપાવી રહી છે જ્યારે યુપીએ સરકાર દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ છ વખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે, યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ છ વખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. શુક્લાએ કહ્યું કે, પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક 19 જૂન 2008ના રોજ કાશ્મીરના પૂંચમાં ભટ્ટલ સેક્ટરમાં કરાઇ હતી.


બીજી નીલમ નદી ઘાટીમાં 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2011 વચ્ચે થઇ હતી. ત્રીજી સર્જિકલ સ્ટ્રાઇક સાવન પાત્રા ચેકપોસ્ટ પર 6 જાન્યુઆરી 2013માં થઇ હતી. ચોથી 27-28 જૂલાઇ 2013ના રોજ નાજાપીર સેક્ટરમાં, પાંચમી નીલમ ઘાટીમાં 6 ઓગસ્ટ 2013ના રોજ અને છઠ્ઠી 14 જાન્યુઆરી 2014માં થઇ હતી.

રાજીવે કહ્યું કે, જેમણે એક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે  તેઓ પોતાના વખાણ કરતા થાકતા નથી. ભાજપ દ્ધારા સર્જિકલ સ્ટ્રાઇક પર પ્રચાર કરવા પર નિશાન સાધતા રાજીવે કહ્યું કે, મનમોહન સિંહ સર્જિકલ સ્ટ્રાઇકનું રાજકારણ નહોતું કર્યું. આ અગાઉ વડાપ્રધાન મોદીએ કોગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇકની સફળતા બાદ આખા દેશમાં જોશનો માહોલ હતો પરંતુ કોગ્રેસ હેડક્વાર્ટરમાં જાણે કોઇ શોકસભા ચાલી રહી હતી.