નવી દિલ્લી: આતંકી બુરહાનવાનીને ઠાર મરાયા પછી કાશ્મીરમાં કથળેલી હાલતને કાબૂમાં લેવા માટે બુધવારે ગૃહમંત્રી રાજનાથ સિંહ ઘાટી જશે, આ સિવાય 11 વર્ષ પછી બીએસએફ જવાનોની મદદ લેવામાં આવી છે. કેંદ્ર તરફથી 2600 જવાનો કાશ્મીરની હાલત શાંત કરવા પહોંચ્યો છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, રાજનાથ સિંહ કાશ્મીર માટે બુધવારે દિલ્લીથી રવાના થશે, રાજનાથ સિંહ માટે કાશ્મીરનો પ્રવાસ બે દિવસનો રહેશે. તમને જણાવી દઈએ કે, રાજનાથ સિંહ ત્યાં જઈને ત્યાંના સ્થાનિક અધિકારીઓ અને રાજનેતાઓને મળીને કાશ્મીરમાં ચાલી રહેલી હિંસાને લઈને ચર્ચા કરશે.
આ તમામ વાતો વચ્ચે, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મૂફ્તીએ કહ્યું, મુઠ્ઠી ભર લોકો શાંતિના વિરોધી છે અને કાશ્મીર ઘાટીમાં હિંસા માટે યુવાનોને ભડકાવવામાં આવે છે. શહેરના ભગવતીનગર વિસ્તારમાં એક સરકારી કાર્યક્રમમાં મહેબૂબાએ કહ્યું, આ લોકો કાશ્મીરમાં શાંતિ રહે તેવું ઈચ્છતા નથી, અને પોતાના અંગત સ્વાર્થના કારણે યુવાનોને હિંસા કરવા આમંત્રિત કરી રહ્યા છે. ગયા મહિને ઘાટીમાં હિંસા શરૂ થયા પછી મુખ્યમંત્રીએ પહેલી વખત જમ્મુનો પ્રવાસ કર્યો છે.