નવી દિલ્હીઃ હરિવંશ નારાયણ સિંહ રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા છે. તેઓ બીજી વખત આ પદ પર ચૂંટાયા છે. એનડીએ દ્વારા જેડીયુ નેતા હરિવંશ ઉમેદવાર હતા. વિપક્ષ તરફથી આરજેડીના મનોજ ઝા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યસભાના ચેરમેન એમ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, હરિવંશને રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. વોઇસ વોટ દ્વારા તેઓ ચૂંટાયા છે.


પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, હું હરિવંશજીને બીજી વખત ગૃહના ઉપસભાપતિ તરીકે ચૂંટાવા અભિનંદન આપું છું. સામાજિક કાર્ય અને પત્રકારત્વ દ્વારા હરિવંશજીએ એક ઈમાનદાર ઓળખ બનાવી છે. તેથી મારા મનમાં તેમના પ્રત્યે ઘણો આદર છે.



હરિવંશનો જન્મ 30 જૂન, 1956ના બલિયા જિલ્લાના સિતાબદિયારા ગામમાં થયો હતો. હરિવંશ જેપી આંદોલનથી ઘણા પ્રભાવિત થયા હતા. હરિવંશે બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં એમએ અને પત્રકારત્વમાં ડિપ્લોમાં અભ્યાસ કર્યો છે.