નવી દિલ્હી: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે બુઘવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઇએ રામજન્મ સ્થાન જીર્ણોદ્ધાર સમિતિના વકીલને કહ્યું કે, આ મામલે મજબૂત પુરાવાઓ રજૂ કરો અને પુરાણોનો ઉલ્લેખ ના કરો, કારણ કે આ મામલો કોઇ આસ્થા સાથે નહીં પરંતુ વિવાદીત જમીનથી જોડાયલ છે. આ મામલે હવે ગુરુવારે સુનાવણી થશે.


ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કૉર્ટ  6 ઓગસ્ટથી દરરોજ સુનાવણી  કરી રહી છે અને બુધવારે તેનો નવમો દિવસ હતો. અયોધ્યા રામ જન્મ ભૂમિ વિવાદ મામલાની સુનાવણી બુધવારે સવારે 11.50 કલાકે હાથ ધરવામાં આવી હતી. રામલલ્લાના વકીલ વૈધનાથે કહ્યું કે, જો જમીન અમારી છે અને કોઇ દ્વારા તેના પર ગેરકાયદેસર રીતે ઢાંચો તૈયાર કરી દેવામાં આવ્યો છે તો જમીન તેમની થઇ જતી નથી.

રામજન્મ સ્થાન જીર્ણોદ્ધાર સમિતિના વકલી પીએન મિશ્રાએ આઈન-એ-અકબરીની વાતોને જણાવી અને કહ્યું કે તેમણે એવો ઉલ્લેખ ક્યાંય કર્યો નથી કે બાબરે મસ્જિદ બનાવી હતી. તેના પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે મસ્જિદ કોણે બનાવી આ મહત્વનું નથી, પછી તે બાબર હોય કે અકબર, સવાલ એ છે કે ત્યાં મસ્જિદ હતી કે નહીં.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે, કોઇ મજબૂત પુરાવાઓ જોઇએ. અમને નકશો દેખાડો અથવા એવું કાઇ બતાવો જેનાથી ખબર પડી શકે કે તમે જે સ્થાનનો દાવો કરી રહ્યા છો તે તે જ જગ્યા છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, ધર્મગ્રંથોનું આ સમયના મામલે કાંઇ જ લેવા દેવા નથી કારણ કે આ આસ્થાનો નહીં જમીનનો મુદ્દો છે.